/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Tuhin-Kanta-Pandey-1.jpg)
Tuhin Kanta Pandey: તુહિન કાંતા પાંડે સેબીના ચેરમેન પદે નિમણુંક થયા છે. (Express Photo)
Tuhin Kanta Pandey In SEBI New Chairman: તુહિન કાંતા પાંડે સેબીના નવા ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. હાલ તેઓ કેન્દ્રીય નાણા અને મહેસૂલ વિભાગમાં સચિવ છે. તુહિન કાંતા પાંડે સેબીમાં માધવી પુરી બુચનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. તુહિન કાંતા પાડે નાણાંકીય વિભાગમાં કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. ભારત સરકારની ખોટ કરતી એર ઈન્ડિયા એરલાઇન્સના વેચાણમાં પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી.
તુહિન કાંતા પાંડે સેબીના નવા ચેરમેન
પર્સોનલ, પબ્લિક ગ્રિવેન્શ એન્ડ પેન્શન મંત્રાલય દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર કેબિનેટની નિમણૂક સમિતિએ 1987 બેચના ઓડિશા કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી તુહીન કાંત પાંડે ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તુહિન કાંતા પાંડેની નિમણૂક તે ચાર્જ સંભાળશે તે તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે રહેશે. તુહીન કાંત પાંડે એ સપ્ટેમ્બર, 2024 માં દેશના નાણાં સચિવ તરીકેની જવાબદારી સંભાળી હતી.
તુહિન કાંતા પાંડે નાણાં મંત્રાલયનું પ્રતિનિધિત્વ કર્યું
નાણાં સચિવ તરીકે, તુહિન કાંતા પાંડેની ભૂમિકા નીતિગત બાબતો પર નાણાં પ્રધાનને સલાહ આપવામાં અને મંત્રાલયની કામગીરીના સંચાલનમાં નિર્ણાયક હતી. તેમણે સંસદની જાહેર હિસાબ સમિતિ સમક્ષ મંત્રાલયનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતની નાણાકીય અને આર્થિક વ્યૂહરચનાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તેઓ સેબીના ચેરમેનનો હોદ્દો સંભાળશે અને તેમની સાથે નાણાકીય વ્યવસ્થાપન અને વહીવટનો સમૃદ્ધ અનુભવ લાવશે, જે તેમની ઝળહળતી કારકિર્દીમાં એક નવું પ્રકરણ ઉમેરશે.
તુહિન કાંતા પાંડેની એર ઇન્ડિયાના વિનિવેશમાં મોટી ભૂમિકા
તુહિન કાંતા પાંડે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ (ડીપીઇ) અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ)ના વડા સહિત અનેક મોટા અને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ખાસ કરીને એર ઇન્ડિયાના એતિહાસિક ડિસઇન્વેસ્ટમેન્ટ અને એલઆઈસી કંપનીના શેરબજારમાં લિસ્ટિંગના મોનેટરિંગ માટે પણ જાણીતા છે.
તુહિન કાંતા પાંડે કેટલું ભણ્યા છે?
તુહિન કાંતા પાંડે એ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢથી અર્થશાસ્ત્રમાં એમએ અને યુનાઇટેડ કિંગડમમાંથી એમબીએ કર્યું છે. તેમની કારકિર્દી ઓડિશા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ બંનેમાં મહત્ત્વપૂર્ણ વહીવટી ભૂમિકાઓમાં ફેલાયેલી છે. તેમણે સંબલપુરમાં જિલ્લા કલેક્ટર, વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ અને આરોગ્ય, પરિવહન અને વાણિજ્યિક કર જેવા ક્ષેત્રોમાં અનેક પદો પર સેવા આપી છે.
તુહિન કાંતા પાંડે કોણ છે?
તુહિન કાંતા પાંડે એ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢથી ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ (યુકે)માંથી એમબીએની ડિગ્રી મેળવી છે. આ નિયુક્તિ પહેલા પાંડે નાણા મંત્રાલયમાં સચિવ અને નાણા સચિવ તરીકે રાજસ્વ વિભાગમાં કામ કરતા હતા. આ પહેલા, તેમણે ત્રણ વિભાગો - ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ), ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસ (ડીપીઇ) અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગના સેક્રેટરીનો હવાલો સંભાળ્યો હતો. સચિવ તરીકે સેવા આપતા પહેલા, પાંડેએ યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (યુએનઆઈડીઓ) ની પ્રાદેશિક કચેરીમાં સેવા આપવા ઉપરાંત, કેન્દ્ર સરકાર અને ઓડિશા રાજ્ય સરકારમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે.
કેન્દ્ર સરકારમાં તેમના અગાઉના હોદ્દાઓમાં આયોજન પંચમાં સંયુક્ત સચિવ (હવે નીતિ આયોગ), કેબિનેટ સચિવાલયમાં સંયુક્ત સચિવ અને વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવનો સમાવેશ થાય છે. ઓડિશા સરકારમાં તેમણે આરોગ્ય, સામાન્ય વહીવટ, વાણિજ્યિક કર, પરિવહન અને નાણાં વિભાગમાં વહીવટી વડા તરીકે સેવા આપી હતી. તેમણે ઓડિશા રાજ્ય નાણાં નિગમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ઓડિશા લઘુ ઉદ્યોગ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us