નાણાંકીય વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓએ ભારતના નાણાંમંત્રી નિર્મલા સિતારમનને એક પત્ર લખ્યો છે. પંજાબના પટિયાલા સ્થિત ધી ઈકોનોમિસ્ટ ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ નાણા મંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં પંજાબના વિકાસની ગતિને વેગ આપવા માટે ઇકોનોમિક પેકેજ આપવાની માંગણી કરવાની સાથે સાથે ઘણા સૂચનો પણ આપ્યા છે.
પંજાબ માટે આર્થિક પેકેજની માંગણી શા માટે કરાઇ
અર્થશાસ્ત્રીઓએ પંજાબ રાજ્યને આર્થિક પેકેજ શા માટે મળવું જોઈએ તેનાં ઘણાં કારણો રજૂ કર્યા છે. પ્રોફેસર લખવિંદર સિંહ, પ્રોફેસર સુખવિંદર સિંહ અને પ્રોફેસર કેસર સિંહ ભાંગુ એ નાણાંમંત્રીને મોકલેલા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે, તેમણે લખ્યું છે કે પંજાબ દેશની ખાદ્ય અને રાષ્ટ્રીય સુરક્ષાની ખાતરી કરવાની દ્રષ્ટિએ ભારતનું એક વ્યૂહાત્મક રાજ્ય છે.
અર્થશાસ્ત્રીઓએ પત્રમાં કહ્યું છે કે પંજાબે કોવિડ-19 મહામારી દરમિયાન પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક (RBI) મુજબ, પંજાબ રાજ્યએ 2021-22માં રૂ. 3,05,126.3 કરોડ (રૂ. 2,82,865 કરોડ બાકી જવાબદારીઓ + રૂ. 22261.3 કરોડ બાકી ગેરંટી)નું ઋણ મેળવ્યું છે. જે માર્ચ 2022 ના અંતે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)ના 53.3 ટકા જેટલું છે.

તેમણે પત્રમાં લખ્યું હતું કે, “ઋણબોજ લાંબા સુધી રહેવાને કારણે, ભારતના 13માં નાણાં પંચે પંજાબ રાજ્યને દેવાદાર રાજ્યની શ્રેણીમાં મૂક્યું છે અને નાણાકીય પેકેજની ભલામણ કરી છે જે ક્યારેય સાકાર થઈ શકી નથી. હવે પંજાબ “ઋણબોજથી પીડિત” રાજ્યમાંથી “ડેટ-સ્ટ્રેસ્ડ” રાજ્યમાં પરિવર્તિત થઈ ગયું છે. તેના પરિણામે પંજાબમાં ખાનગી રોકાણ પર પણ બ્રેક લાગી ગઇ છે અને આથી અર્થવ્યવસ્થાનો વિકાસદર પણ ધીમો પડ્યો છે.
દુનિયાભરના 51 પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓએ નાણામંત્રીને પત્ર લખ્યો
તો બીજી બાજુ દુનિયાભરના 51 પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓએ નાણાંપ્રધાનને ખુલ્લો પત્ર લખીને સામાજિક સુરક્ષા પેન્શન અને મહિલાઓને યોગ્ય પ્રસૂતિના લાભો માટે બજેટમાંથી ભંડોળ ફાળવવાની માંગણી કરી છે. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેઓએ અગાઉ 20 ડિસેમ્બર 2017 અને 21 ડિસેમ્બર 2018ના રોજ પણ આ અંગે પત્રો લખ્યા હતા. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ વૃદ્ધોને દર મહિને માત્ર 200 રૂપિયા મળે છે. આ રકમ વર્ષ 2006 થી વધારવામાં આવી નથી પરંતુ હવે તેને વધારીને રૂ.500 કે તેનાથી વધારે કરવી જોઈએ.