UP Exports Webley 455 Revolver To America: ઉત્તર પ્રદેશ હવે અમેરિકાને હથિયારો સપ્લાય કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. 100 વર્ષ બાદ ફરીથી વેબ્લી 455 નું નિર્માણ થશે. આ માટે સ્યાલ મેન્યુફેકચરર પ્રાઇવેટ લિમિટેડ સાથે ભારતમાં વેબ્લી બનાવવા માટે કરાર કરવામાં આવ્યા છે. અગાઉ તેનું ઉત્પાદન બ્રિટનમાં કરવામાં આવતું હતું. આ હથિયાર એન્ટિક રિવોલ્વર કેટેગરીમાં આવે છે. હાલમાં જ અમેરિકાએ તેના 10 હજાર રિવોલ્વરનો ઓર્ડર આપ્યો હતો. અમેરિકા ઉપરાંત બ્રાઝિલ અને યુરોપિયન દેશોમાં પણ ભારે માગ છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે ઉત્તર પ્રદેશમાં બનતી વેબ્લી રિવોલ્વર ભારતમાં પ્રતિબંધિત છે.
ભારતમાં વેબ્લી રિવોલ્વર પર પ્રતિબંધ
વેબ્લી રિવોલ્વર 100 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારત આવી ત્યારે યુરોપથી અહીં લાવી હતી. આ હથિયાર પર ભારતમાં પ્રતિબંધ છે. વેબ્લી સ્કાઉટ ઇન્ડિયાના ડિરેક્ટર મનિન્દર સ્યાલે જણાવ્યું હતું કે ભારતમાં 455 બોર રિવોલ્વર પર પ્રતિબંધ છે, જ્યારે અમેરિકામાં વેબ્લી 455ની ભારે માંગ છે. જેને ધ્યાનમાં રાખીને યુપીમાં પહેલીવાર લગભગ 10 હજાર વેબ્લી 455 અમેરિકામાં નિકાસ કરવામાં આવશે. તેના નિર્માણ માટેનું લાઇસન્સ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
હથિયારનો ઇતિહાસ
વેબ્લી રિવોલ્વર હથિયારનું ઉત્પાદન 1887માં બ્રિટિશ રાજમાં શરૂ થયું હતું. પહેલી વાર ગ્લોબલ કંપની વેબ્લી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. 1924 સુધી તેનું નિર્માણ ચાલુ રહ્યું. આ પછી, મેન્યુફેક્ચરિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે દુનિયાના અન્ય દેશોમાં તેનો ઉપયોગ થતો હતો. હવે ભારતમાં ફરી એકવાર વેબ્લી એ સ્યાલ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યા છે. કંપનીના ડાયરેક્ટર મનિંદર સયાલનું કહેવું છે કે વેબ્લી એ ઉત્તરપ્રદેશને તેનું હેડક્વાર્ટર બનાવ્યું છે. તેના નિર્માણ સાથે જ અમેરિકાનું માર્કેટ પણ ભારત માટે ખુલી ગયું છે.
વેબ્લી રિવોલ્વરની ખાસિયત
વેબ્લી રિવોલ્વરનું ઉત્પાદન ભારતમાં શરૂ થયું ત્યારે 1924 સુધીમાં તેના 1.25 લાખથી વધુ નંગ બનાવવામાં આવ્યા હતા. 1963 સુધી તેનો ઉપયોગ ચાલુ રહ્યો. 1.1 કિલોની આ રિવોલ્વરની લંબાઈ 11.25 ઈંચ છે. તેના બેરલની લંબાઇ 6 ઇંચ છે. તે એક મિનિટમાં 20 થી 30 રાઉન્ડ ફાયર કરી શકે છે. તેની અસરકારક રેન્જ 46 મીટર હોવાનું કહેવાય છે. આ રિવોલ્વરનો ઉપયોગ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિયેતનામ, કોરિયા, ઇન્ડોનેશિયા અને ભારત-ચીન યુદ્ધોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.





