Gold Silver Sensex Nifty Return In Year Ender 2024: શેરબજાર સોનું ચાંદી માટે વર્ષ 2024 ઐતિહાસિક રહ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન સેન્સેક્સ નિફ્ટી અને સોનું ચાંદી રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા હતા. ઈરાન ઈઝરાયલ સંઘર્ષ, રશિયા યુક્રેન યુદ્ધ, વૈશ્વિક અનિશ્ચિત્તાથી આર્થિક મોરચે અવરોધ જોવા મળ્યા હતા. આ અવરોધો વચ્ચે પણ શેરબજાર સોનું ચાંદીમાં ઐતિહાસિક તેજી જોવા મળી પરંતુ વર્ષના છેલ્લા ભાગમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. જાણો 2024માં શેર, સોનું અને ચાંદી શેમાં કેટલું રિટર્ન મળ્યું.
Gold Silver Return In 2024: સોના ચાંદીમાં ડબલ ડિજિટ રિટર્ન
સોનું ચાંદી માટે વર્ષ 2024 ગોલ્ડન યર સાબિત થયું છે. ભૂરાજકીય અશાંતિ અને આર્થિક અનિશ્ચિત્તા વચ્ચે સોનું ચાંદીની રોકાણ અપિલ વધતા ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. 30 ઓક્ટોબરના રોજ ભારતમાં સોનું 82300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યું હતું. તો 1 કિલો ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા. જો કે ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.
જો વર્ષ 2024માં વળતરની વાત કરીયે તો સોના ચાંદીમાં ડબલ ડિજિટ રિટર્ન મળ્યું છે. 31 ડિસેમ્બર 2024ના રોજ સ્થાનિક બજારમાં સોનું 78700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 1 કિલો ચાંદી 86500 રૂપિયા હતી. તો 31 ડિસેમ્બર 2023ના રોજ સોનું અને ચાંદી અનુક્રમે 65300 રૂપિયા અને 74000 રૂપિયા હતા. આમ વર્ષ 2024માં સોનું 13400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 12500 રૂપિયા પ્રતિ 1 કિલો મોંઘી થઇ છે. ટકાવારીની રીતે રોકાણકારોને સોનામાં 20.5 ટકા અને ચાંદીમાં 17 ટકા રિટર્ન મળ્યું છે. નોંધનિય છે કે, વર્ષ 2023માં સોનામાં 16 ટકા અને ચાંદીમાં 8 ટકા વળતર મળ્યું હતું.

Sensex Nifty Return In 2024: સેન્સેક્સ નિફ્ટી એ રોકાણકારોને નિરાશ કર્યા
સેન્સેક્સ નિફ્ટીએ રોકાણકારોને નિરાશ કર્યા છે. વર્ષ 2024 દરમિયાન સતત ઓલટાઇમ હાઇ લેવલ બનાવનાર સેન્સેક્સ નિફ્ટી સપ્ટેમ્બર બાદ સતત ઘટી રહ્યા છે. ભારતીય શેરબજાર સપ્ટેમ્બરના રેકોર્ડ હાઇ લેવલથી 10 ટકા સુધી ઘટી ગયા છે. જેના પરિણામ વર્ષ 2024માં સેન્સેક્સ નિફ્ટીએ સિંગલ ડિજિટમાં રિટર્ન આપ્યું છે.
વર્ષ 2024માં સોનું ચાંદી સેન્સેક્સ અને નિફ્ટીમાં વળતર
વિગત | 31/12/2023 | 31/12/2024 | વધારો | ટકાવારી |
---|---|---|---|---|
સોનું | ₹ 65300 | ₹ 78700 | + ₹ 13400 | +20.52 |
ચાંદી | ₹ 74000 | ₹ 86500 | + ₹ 12500 | +16.89 |
સેન્સેક્સ | 72240 | 78139 | +5899 | +8.16 |
નિફ્ટી | 21731 | 23658 | +1927 | +8.86 |
આ પણ વાંચો | IPO માર્કેટમાં બુલરન ચાલુ રહેશે, રોકાણકારો શેરબજારમાં કમાણી માટે તૈયાર રહેજો
2024ના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 78139 અને નિફ્ટી 23658 લેવલ પર બંધ થયા હતા. આમ શેરબજારના રોકાણકારોને સતત 9માં વર્ષે પોઝિટિવ રિટર્ન મળ્યું છે. આ સાથે 2024માં સેન્સેક્સમાં 8.2 ટકા અને નિફ્ટીમાં 8.9 ટકા રિટર્ન મળ્યું છે. તમને જણાવી દઇયે કે, વર્ષ 2023માં શેરબજારે 20.6 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું હતું.