ઓનલાઈન ફૂડ ઓર્ડર ડિલિવરી કંપની ઝોમેટો લિમિટેડના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. ઝોમેટો કંપનીએ શેરબજારને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ગુંજન પાટીદાર ઝોમેટોના પ્રથમ કેટલાક કર્મચારીઓ પૈકીના એક હતા અને તેમણે કંપની માટે કોર ટેક્નોલોજી સિસ્ટમ બનાવી હતી. ગુંજન પાટીદાર લગભગ છેલ્લા 10 વર્ષ કરતા વધારે સમયથી ઝોમેટો કંપની સાથ જોડાયેલા હતા.
ઝોમેટો કંપનીએ જણાવ્યુ કે, “કંપનીને આગળ લઈ જવામાં ગુંજન પાટીદારનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.” જો કે, ગુંજન પાટીદારે ક્યાં કારણસર રાજીનામું આપ્યું તેની માહિતી કંપની જણાવી નથી. નોંધનિય છે કે, ગત વર્ષે નવેમ્બરમાં કંપનીના અન્ય કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. મોહિત ગુપ્તા સાડા ચાર વર્ષ પહેલા Zomato સાથે જોડાયેલા હતા. તેમને વર્ષ 2020માં કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)ના પદ પરથી બઢતી આપીને સહ-સ્થાપક બનાવવામાં આવ્યા હતા.
ગત વર્ષે ઓનલાઇન ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ્સ ઝોમેટાના ઘણા ટોપ- લેવલના અધિકારીઓએ રાજીનામાં આપ્યા હતા જેમાં રાહુલ ગંજુ, સિદ્ધાર્થ ઝાવર અને સહ-સ્થાપક ગૌરવ ગુપ્તા, મોહિત ગુપ્તાનો સમાવેશ થાય છે. ઉપરાંત પંકજ ચઢ્ઢાએ વર્ષ 2018માં ઝોમેટામાંથી રાજીનામું આપ્યુ હતુ.
ગુંજન પાટીદાર કોણ છે?
ઓનલાઇન ફૂડ ડિલિવ કંપની Zomatoમાં જોડાયા તેની પહેલા ગુંજન પાટીદારે Cyient કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દિલ્હીમાંથી બી.ટેકની ડિગ્રી મેળવી છે. ગુંજન પાટીદાર ઝોમેટો કંપનીમાં સૌથી પહેલા જોડાનાર કેટલાંક કર્મચારીઓ પૈકીના એક છે અને તેમણે કંપની માટે કોર ટેક સિસ્ટમ્સ ડેવલપ કરી હી.
વર્ષ 2022માં Zomatoનો દેખાવ કેવો રહ્યો?
ઝોમેટો કંપનીએ વિતેલ વર્ષ 2022માં સારો દેખાવ કર્યો નથી. નાણાકીય વર્ષ 2022-23 (Q2FY23) ના બીજા ક્વાર્ટર દરમિયાન, Zomato ને 250.8 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ સહન કરવી પડી હતી. જો કે આ આંકડા અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની રૂ. 434.9 કરોડની ખોટ કરતાં ઓછો છે અને આ સમયગાળા દરમિયાન કંપનીની આવક પણ 60.20 ટકા વધીને રૂ. 1,661.3 થઈ છે. તેમ છતાં, શેરબજારમાં કંપનીનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું હતું. વર્ષ 2022માં ઝોમેટો કંપનીના શેરના ભાવમાં 50 ટકાથી વધુનું ધોવાણ થયુ છે. 1 જાન્યુઆરી 2023ના રોજ ઝોમેટો કંપનીનો શેર દોઢ ટકા ઘટીને 60.25 રૂપિયાના ભાવે બંધ થયો હતો.