ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં વિઝા છેતરપિંડીની ઘટનાઓ મોટા પાયે વધી છે, જેને પગલે ભારતના પાંચ રાજ્યોમાંથી ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓને ત્યાંની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડશે. આ રાજ્યોમાં – ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાલના આ સમયમાં જમ્મુ-કાશ્મીરથી ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓ પણ રડારમાં છે.
ગુજરાત સહિત 5 રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ
તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાની ફેડરેશન યુનિવર્સિટી અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીમાં ભારતના 5 રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, એટલે આ રાજ્યોના વિદ્યાર્થીઓની એડમિશન એપ્લિકેશન સ્વીકારવામાં આવશે નહીં. હકીકતમાં ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયને તેણે કરેલી તપાસમાં જાણવા મળ્યું કે પ્રત્યેક ચારમાંથી એક ભારતીયની વીઝા એપ્લિકેશનમાં ફ્રોડ – ગેરરીતિ આચરવામાં આવી છે. સૌથી વધારે ફરિયાદ પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી સામે આવી છે.
પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા નિર્ણય લેવાયો
સૌથ મહત્વપૂર્ણ વાત એ છે કે તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા સિડનીની મુલાકાતે ગયા હતા તેના થોડાક જ દિવસ બાદ આ ઘટના સામે આવી છે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ઉપરોક્ત બે યુનિવર્સિટીએ પીએમ મોદીના સિડની પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો હતો.
ભારતીયની અરજી નામંજૂર થવાનો દર 10 વર્ષની ટોચે
ઓસ્ટ્રેલિયાની તમામ યુનિવર્સિટીઓમાં ભારતીય ઉમેદવારોની એપ્લિકેશન નામંજૂર થવાનો દર દસ વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી જતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર ભારતીય ઉમેદવારોની પ્રત્યેક ચારમાંથી એક અરજીમાં “છેતરપીંડી”ની ઘટના સામે આવી રહી છે.
ઑસ્ટ્રેલિયાના શિક્ષણ વિભાગે જણાવ્યું કે, ઇન્ટરનેશનલ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝમાં “અનૈતિક વર્તણૂક” થી માહિતગાર છે, જેમ કે એજ્યુકેશન એજન્ટો મોંઘી ખર્ચાળ શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓને ઓછી ખર્ચાળ પ્રોફેશનલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં શિફ્ટ થવા મજબૂર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એજ્યુકેશન એજન્ટ એ મુખ્ય માધ્યમ છે જેમના દ્વારા વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે, અને આ સર્વિસના બદલમાં એજન્ટો હજારો ડોલર કમિશન સ્વરૂપે વસૂલે છે.