ભારતમાં વ્હાઇટ કોલર જોબની તુલનાએ બ્લુ કોલર જોબમાં નોકરીની તકો વધી રહી છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં સિક્યુરિટી સર્વિસ મેન એટલે કે સિક્યુરિટી ગાર્ડની નોકરીની વિપુલ તકો રહેલી છે. છેલ્લા એક વર્ષમાં સિક્યુરિટી મેનની નોકરીમાં વાર્ષિક ધોરણે 219 ટકાનો વધારો થયો છે, ક્વેસ કોર્પની સબસિડિયરી બિલિયન કરિયર દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
આ રિપોર્ટ અનુસાર ભારતમાં બ્લુ-કોલર વર્કફોર્સ માટે એકંદરે નોકરીની ખાલી જગ્યાઓમાં હકારાત્મક વલણ જોવા મળ્યું હતું, જે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે કેટલાક ટૂંકા ગાળાની વધઘટ સાથે લાંબા ગાળે જોબ માર્કેટમાં સતત વૃદ્ધિ સૂચવે છે. કુલ જોબ ઓપનિંગ માર્ચ 2022 માં 53,38,456 થી માર્ચ 2023 સુધીમાં લગભગ 7 ટકા વધીને 57,11,154 થઈ ગઈ છે એવું રિપોર્ટમાં જણાવાયું છે.
ક્વેસ કોર્પના રિપોર્ટમાં જણાવાયું છે કે વિવિધ સરકારી પહેલ, ઝડપી શહેરીકરણ, માળખાકીય વિકાસ, મધ્યમ વર્ગની સંખ્યામાં વધારો અને ઈ-કોમર્સનો ઉદય આગામી મહિનાઓમાં નોકરીની વધારે તકોનું સર્જન કરશે તેવી ધારણા છે.
બિલિયન કેરિયર્સના રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે એડમિન અને હ્યુમન રિસોર્શની ભૂમિકાઓ માટેની નોકરીઓમાં વાર્ષિક ધોરણે 61.75 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે વિવિધ ઉદ્યોગોમાં એચઆર પ્રોફેશનલની મજબૂત માંગને દર્શાવે છે.
આ દરમિયાન કાઉન્ટર સેલ્સ અને રિટેલ્સની નોકરી સંખ્યામાં વાર્ષિક ધોરણે 33.17 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે રિટેલ ઉદ્યોગની સતત વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.
ફિલ્ડ સેલ્સની નોકરીમાં વાર્ષિક ધોરણે 24.70 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જ્યારે બિઝનેસ ડેવલપમેન્ટ કેટેગરીની નોકરીની સંખ્યામાં વાર્ષિક ધોરણે 20.59 ટકાનો વધારો થયો છે.
બિલિયન કેરિયર્સના સીઈઓ અમિત નિગમે જણાવ્યું હતું કે, “આર્થિક પરિદ્રશ્યમાં પરિવર્તન વચ્ચે પણ, ખાસ કરીને એચઆર/એડમિન અને સિક્યુરિટી સર્વિસ માટેની નોકરીઓમાં બ્લુ-કોલર કામદારોની માંગ વધી રહી છે. આ વૃદ્ધિ સ્કીલ્ડ પ્રોફેશનલની વધતી જતી જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે જેઓ કાર્યસ્થળના વિવિધ પાસાઓનું સંચાલન કરી શકે છે. આ ટ્રેન્ડ આગામી વર્ષોમાં ચાલુ રહેવાની અપેક્ષા છે, જેમાં વધુ કંપનીઓ ટેલેન્ટ મેનેજમેન્ટમાં રોકાણના મહત્વને સમજશે અને તેમના એકંદર વ્યવસાયના પ્રદર્શનને સુધારવા માટે વર્કસ્પેસ સુરક્ષિત કરશે. વધુમાં, હાઈવે, એરપોર્ટ અને બંદરોના નિર્માણ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ભારતના રોકાણોથી પરિવહન, લોજિસ્ટિક્સ અને બાંધકામ ક્ષેત્રોમાં બ્લુ-કોલર જોબની વિપુલ તકોનું સર્જન થવાની અપેક્ષા છે.
આ રિપોર્ટ અનુસાર બ્લુ-કોલર વર્કફોર્સમાં 54 ટકાની ક્રમશઃ હકારાત્મક ભરતી વૃદ્ધિ દર્શાવી દિલ્હીએ અન્ય શહેરોને પાછળ છોડી દીધા છે. ઇ-કોમર્સ અને ડિલિવરી ઉદ્યોગમાં વૃદ્ધિ અને આ પ્રદેશમાં લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ક્ષેત્રમાં વધતા રોકાણ દ્વારા માંગમાં વધારો થયો હતો.
જોકે, શહેરના સ્થિર અને વૈવિધ્યસભર જોબ માર્કેટને કારણે મુંબઈમાં નજીવો વધારો જોવા મળ્યો હતો, એવું પણ રિપોર્ટમાં જણાવ્યું છે.
આ અહેવાલમાં વધુમાં ઉમેર્યું હતું કે, ફ્રેશર્સે તેમના અનુભવી સહ-કર્મચારીઓને પાછળ છોડી દીધા છે, કારણ કે માર્ચ 2022 અને માર્ચ 2023ની વચ્ચે લગભગ 82.84 ટકા બ્લુ-કોલર કર્મચારીઓને 0 થી 3 વર્ષનો કામનો અનુભવ હતો જ્યારે 7 કે તેથી વધુ વર્ષનો અનુભવ ધરાવતા લોકોનો હિસ્સો માત્ર 0.15 હતો.
જો કે, લિંગ સમાનતા તરફના પ્રયાસો છતાં, દેશના બ્લુ કોલર ઉદ્યોગમાં મહિલા કર્મચારીઓની ભાગીદારી ઓછી છે. ભારતના બ્લુ-કોલર ઉદ્યોગમાં માર્ચ 2023 સુધીમાં કુલ કર્મચારીઓમાં પુરુષોની સંખ્યા 84.26 ટકા હતી.
બિલિયન કેરિયર્સના અહેવાલમાં ઉમેર્યું હતું કે સ્કીલ ડેવલપમેન્ટ અને કારકિર્દીની પ્રગતિ માટે અસમાન તકો સહિત અનેક પરિબળોને કારણે બ્લુ કોલર વર્કફોર્સમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 15.74 ટકા છે.
Disclaimer: આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો