ત્રણ પેપર બાકી હતા અને પિતાએ પકડી અનંતની વાટ, પપ્પાનું બેટ સાથે રાખી આપી પરીક્ષા, દેવાંશીએ મેળવ્યા 88.35 PR

GSEB 12th Result rajkot student story : ધોરણ 12 સામાન્ય પ્રવાહ 2023 (HSC Result 2023) નું પરિણામ જાહેર. બોર્ડની પરીક્ષા ચાલતી હતી અને રાજકોટ (Rajkot) ની દેવાંશી (Devanshi) ના પિતાનું અવસાન (father death) થયું, દીકરીએ પિતાનું બેટ સાથે પરીક્ષા (Exam) આપી અને 88 પર્સન્ટાઈલ મેળવી પિતાનું અને શાળાનું નામ રોશન કર્યું.

Written by Kiran Mehta
Updated : May 31, 2023 14:11 IST
ત્રણ પેપર બાકી હતા અને પિતાએ પકડી અનંતની વાટ, પપ્પાનું બેટ સાથે રાખી આપી પરીક્ષા, દેવાંશીએ મેળવ્યા 88.35 PR
GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 - રાજકોટની દેવાંશીની કહાની

GSEB Gujarat Board 12th Result 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 જાહેર થઈ ગયું છે. ત્યારે રાજકોટની એક દીકરી જે પરિણામ સામે આવ્યા બાદ રડી પડી હતી. રાજકોટની દેવાંશી મકવાણા જેણે ધોરણ 12માં 88.35 પર્સન્ટાઈલ મેળવ્યા છે. દેવાંશી ધોરણ 12ની પરીક્ષા આપી રહી હતી અને છેલ્લા 3 પેપર બાકી હતા અને પિતાનું ક્રિકેટ રમતા હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર આવ્યા. પિતાની લાડકવાઈ દીકરી માનસિક રીતે ભાંગી પડી, શું કરવું અને શું ના કરવું તેની ખબર પડી રહી ન હતી. પરિવારે હિમ્મત આપી અને દુખની ઘડીમાં છેલ્લા ત્રણ પેપર આપવા ગઈ. દીકરી પપ્પાનું બેટ સાથે લઈ પરીક્ષા આપવા ગઈ, આજે પરિણામ જાહેર થયું અને દીકરીના પરિણામની ખુશી વહેંચવા પિતા તેની સાથે નથી, તે પરિણામ જોઈ બોલી હું ખુશ નથી, કારણ કે મારી સાથે મારા પપ્પા નથી.

પરીક્ષામાં 3 પેપર બાકી અને પિતાનું મોત

ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે. આવુ જ કંઈક થયું હતુ રાજકોટની એક દિકરી સાથે. આ દિકરી ખુબ મહેનત કરી અને હોંશે હોંશે ધોરણ 12ની પરીક્ષા આપી રહી હતી. પણ છેલ્લા 3 પેપર બાકી હતા અને તેના પિતાએ અનંતની વાટ પકડી. દિકરી અને પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો. છેલ્લા પેપર બાકી હતા અને શું કરવું અને શું ન કરવું એ ખબર ન હતી. તેમ છતા દિકરીએ બાકીના 3 પેપર પૂરા કર્યા. ત્યારે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થયું છે.પણ આજે આ દિકરીની ખુશીમાં સામેલ થનાર તેના પિતા તેની સાથે નથી.આ દિકરીએ આવી સ્થિતિમાં પણ 88.35 પીઆર મેળવીને આજે તેના પિતાનું સપનું પુરૂ કર્યું છે.

દેવાંશીએ 88.35 પીઆર મેળવી પિતાનું નામ રોશન કર્યું

રાજકોટની મકવાણા દેવાંશીના પિતાનું મૃત્યુ ક્રિકેટ રમતી વખતે થયું હતું. જ્યારે દેવાંશીના પિતાનું મૃત્યુ થયું ત્યારે દેવાંશીની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ચાલી રહી હતી. પણ આજે આ દિકરીએ 88.35 પીઆર મેળવીને તેના પિતાનું નામ રોશન કર્યું છે.

દેવાંશીના પિતા મયુરભાઈ

પેપર ચાલતુ હતું ને પપ્પા અચાનક મને છોડીને જતા રહ્યા

મકવાણા દેવાંશીએ કહ્યું કે, મારે 88.35 પીઆર આવ્યા છે. મે મહેનત કરી હતી અને મે ધાર્યુ હતુ કે, મને 90 પીઆર આવી જશે. મારા પિતાને પણ એમ હતુ કે, મને 90 પીઆર આવી જશે. મારા છેલ્લા 3 પેપર બાકી હતા અને અચાનક અમારી સાથે આવુ થયુ અને મારા પિતા મને છોડીને જતા રહ્યાં. મારા પિતા ઘણા વર્ષોથી ક્રિકેટ રમતા હતા અને તેઓ દર રવિવારે ક્રિકેટ રમવા જતા હતા.

દેવાંશી તેની પિતા અને પરિવાર સાથે

પપ્પા ક્રિકેટ રમતા જીવન હારી ગયા

પણ 19 તારીખનો એ રવિવાર હતો કે, જ્યારે મારા પિતા ક્રિકેટ રમવા ગયા હતા અને બપોરે અચાનક ફોન આવ્યો કે પિતાને હાર્ટ એટેક આવ્યો છે. મારા પિતાની ઈચ્છા હતી કે, હું સારા માર્ક્સ સાથે પાસ થઈ જાવ. મારા પપ્પા ક્રિકેટ રમતા રમતા તેનું જીવન હારી ગયા છે. પણ હું મારા પિતાનું દરેક સપનું પુરૂ કરીશ. હું ભણતર અને જીવનમાં પ્રગતિની સિક્સ મારીને તેમના બધા સપના પુરા કરીશ. મારા પપ્પા મારી સાથે જ છે એટલે હું બધુ જ કરી લઈશ.

દેવાંશી પિતાના મોત બાદ હિમ્મત હારી ગઈ

દેવાંશીના માતા ભારતીબેન મકવાણાએ કહ્યું કે, અત્યારે દુખ પણ છે અને અમને ખુશી પણ છે. અત્યારે જો દેવાંશીના પિતા હોત તો વધારે ખુશી અમને થાત. 3 પેપર બાકી હતા ત્યારે આ ઘટના બની અને દેવાંશી હિંમત હારી ગઈ હતી. એટલે છેલ્લા 3 પેપરમાં તેનાથી વધુ મહેનત થઈ શકી ન હતી. નહીં તો મારી દિકરીએ 90 ઉપર પીઆર મેળવ્યા હોત.

દેવાંશી મકવાણા

20 વર્ષથી તેઓ ક્રિકેટ રમતા હતા પણ છેલ્લા 3 મહિનાથી તેઓ ક્રિકેટ ઓછુ રમતા હતા. પણ તેઓ 19 તારીખે ક્રિકેટ રમવા ગયા હતા અને કોલ આવ્યો કે, મયુરભાઈ પડી ગયા છે. પછી અમે તરત જ ત્યાં પહોંચ્યા હતા, પણ ક્રિકેટ રમતી વખતે જ તેમનો જીવ જતો રહ્યો હતો.

પિતાની ઈચ્છા હતી, દેવાંશી ખુબ ભણે

પરીક્ષામાં દરરોજ દેવાંશીના પિતા તેને તેડવા અને મુકવા માટે આવતા હતા, જેથી દેવાંશીને અત્યારે ખુબ જ દુખ થાય છે. તેના પિતાની ઈચ્છા હતી કે, દેવાંશી ખુબ ભણે અને આગળ વધે. જેથી દેવાંશી તેના પિતાનું સપનું ચોક્કસ પુરૂ કરશે. તેમના માતા કહ્યું કે, હું દેવાંશીની માતાની સાથે સાથે તેના પિતા બનીને તેને સાથ આપીશ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ