જે વિદ્યાર્થીઓ અમેરિકામાં એજ્યુકેશન જવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે માઠા સમાચાર છે. અમેરિકામાં ભણવા માટેના સ્ટુડન્ટ્સ વિઝા માટે હવે તમારે વધારે ફી ચૂકવવી પડશે. અમેરિકાની સરકારે 30 મે, 2023થી શરૂ થતા સ્ટુડન્ટ વિઝાની ફી 25 ડોલર વધારવાની જાહેરાત કરી છે.
યુએસના સ્ટુડન્ટ્સ વિઝાની ફી કેટલી થઇ
અમેરિકાની સરકારે સ્ટુડન્ટ્સ વિઝાની ફી 25 ડોલર વધારી છે. આમ હવે સ્ટુડન્ટ્સ વિઝાની ફી હાલના 160 ડોલરથી વધીને 185 ડોલર થશે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો હાલ અમેરિકાના સ્ટુડન્ટ્સ વિઝા માટે સરેરાશ 13075 રૂપિયા ફી ચૂકવવી પડે છે જે હવે વધીને લગભગ 15118 રૂપિયા થશે. એટલે કે ભારતીય વિદ્યાર્થીએ લગભગ સરેરાશ 2043 રૂપિયા વધારે ચૂકવવા પડશે. (નોંધઃ એક યુએસ ડોલરનું મૂલ્ય 81.72 રૂપિયાની ગણતરી અનુસાર)
ભારતીય વિદ્યાર્થીઓમાં યુએસ ભણવા જવાનો ટ્રેન્ડ
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન (IIE)ના ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર, બે લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ 2021-22 શૈક્ષણિક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ (યુએસ) પસંદ કર્યું, જે અગાઉના વર્ષની સરખામણીમાં 19 ટકા વધારે છે.
એક સત્તાવાર જાહેરાતમાં, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે જણાવ્યું કે તેણે વૈશ્વિક સ્તરે અમુક નોન-ઇમિગ્રન્ટ વિઝા (NIV) એપ્લિકેશન પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. આ ફી વધારો 30 મે, 2023 થી લાગુ પડશે. બિઝનેસ અથવા ટુરિઝમ (B1/B2s) અને અન્ય નોન-પીટિશન-આધારિત NIV, જેમ કે સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર વિઝા માટે વિઝિટર વિઝા માટેની અરજી ફી 160 ડોલર થી વધીને 185 ડોલર થઈ ગઈ છે.
હંગામી કર્મચારીઓ એટલે કે ટેમ્પરરી વર્કર્સ (H, L, O, P, Q, અને R કેટેગરી) માટે અમુક પિટિશન-આધારિત નોન-ઇમિગ્રન્ટ વિઝા માટેની અરજી ફી પણ 190 ડોલરથી વધીને 205 ડોલર કરવામાં આવી છે. સ્પેશિયાલિટી ઓક્યુપેશન (E કેટેગરી)માં ટ્રિટી ટ્રેડ, ટ્રેડ ઇન્વેસ્ટર અને ટ્રેડ અરજદાર માટેની એપ્લિકેશન ફી પમ 205 ડોલર થી વધીને 315 ડોલર થઈ છે.
જેમણે અગાઉ વિઝા ફ્રી ચૂકવી દીધી છે પણ વિઝા આવ્યા નથી તેમનું શું થશે?
જો કે અન્ય કોન્સ્યુલર ફી યથાવત રહી છે, જેમાં અમુક એક્સચેન્જ વિઝિટર્સ માટે બે વર્ષની રેસિડેન્સી આવશ્યક ફીની માફીનો સમાવેશ થાય છે. એવા અરજદારો કે જેમણે અગાઉ વિઝા એપ્લિકેશન ફી ચૂકવી દીધી છે જે હાલમાં માન્ય છે અને એક્સપાયર થયા નથી છે, પરંતુ જેઓ હજુ સુધી તેમના વિઝા ઇન્ટરવ્યુ માટે હાજર થયા નથી અથવા તેમના કેસની પ્રક્રિયા થવાની રાહ જોઈ રહ્યા છે, તેઓને કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં.
મંદી અને નોકરી ગુમાવવાનો ભય હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે યુનાઇટેડ સ્ટેટ્સ હજુ પણ ટોચની પસંદગી છે. પરંતુ, ભારતીય વિદ્યાર્થીઓમાં અભ્યાસક્રમોની પસંદગી બદલાઈ રહી છે.
ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન (GRE) ના તાજેતરના સર્વે અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ તેમના માસ્ટર્સ અને ડોક્ટરેટની ડિગ્રી માટે એન્જિનિયરિંગ કરતાં ભૌતિક વિજ્ઞાનના વિષયને વધુ પસંદ કરી રહ્યા છે.
Disclaimer : આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.