Dhanteras 2022: શાસ્ત્રોમાં ધનતેરસ પર્વનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પંચાંગ અનુસાર, આ તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર દિવાળીના તહેવાર (Diwali Festival) ની શરૂઆત દર્શાવે છે. આ દિવસે ધન્વંતરી દેવ, લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. તેમજ આ દિવસે સોનું, ચાંદી અને વાસણોની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તો ચાલો જાણીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ…
ધનતેરસની તારીખ
વૈદિક પંચાંગ અનુસાર, ત્રયોદશી તિથિ 22 ઓક્ટોબર, શનિવારે સાંજે 06:01 વાગ્યે શરૂ થશે અને 23 ઓક્ટોબર, રવિવારે સાંજે 06:04 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદયતિથિને આધાર ગણીને 23 ઓક્ટોબરે જ ધનેરાસનો તહેવાર ઉજવવામાં આવશે.
ધનતેરસનું શુભ મુહૂર્ત
જ્યોતિષ કેલેન્ડર મુજબ, ધનતેરસ પૂજાનો શુભ સમય 23 ઓક્ટોબરે સાંજે 05:43 થી 06.06 સુધીનો રહેશે. પ્રદોષ કાલનો સમય 23 ઓક્ટોબરે સાંજે 5.43 થી 8.17 સુધીનો રહેશે. બીજી તરફ ધનતેરસનું શુભ મુહૂર્ત લગભગ 21 મિનિટનું રહેશે.
પૂજા વિધિ જાણો
આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. તે પછી સ્વચ્છ કપડાં પહેરો. ધનતેરસ પર ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરવાનો નિયમ છે. સાંજના શુભ મુહૂર્તમાં જ પૂજા કરવી જોઈએ. આ દિવસે પિત્તળ અને ચાંદીના વાસણો ખરીદવાની પરંપરા છે. તેથી, બજારમાંથી ચોક્કસપણે કંઈક ખરીદો અને તેને ઘરમાં વસાવો. આ દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર અને આંગણામાં દીવા પ્રગટાવવા જોઈએ. કારણ કે ધનતેરસથી જ દીપાવલીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસના દિવસે સાંજના શુભ મુહૂર્તમાં ઉત્તર દિશા તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરો. તેમજ તિલક કર્યા પછી તેને ફૂલ, ફળ વગેરે ચઢાવો. સાથે જ ‘ઓમ હ્રીં કુબેરાય નમઃ’ આ મંત્રનો જાપ કરો. ભગવાન ધન્વંતરિને પ્રસન્ન કરવા માટે આ દિવસે ધન્વંતરી સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો – ધન માટે મની પ્લાન્ટથી પણ વધારે લાભદાયી છે આ છોડ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં લગાવવાથી મળશે શુભ ફળ!
મહત્ત્વ જાણો
પુરાણો અનુસાર જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે આ દિવસે ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કલશ લઈને પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે તેમની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ આ દિવસે ભગવાન ધન્વંતરી અને કુબેર દેવતાની પૂજા કરે છે. તેમને સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠા મળશે.