Shiv Mandir in Gujarat, Maha Shivratri 2025: ગુજરાત વિશિષ્ટ મંદિરોથી સમૃધ્ધ છે. અહીં એક એવા શિવ મંદિર વિશે જાણીએ કે જ્યાં શિવલિંગ પર સમુદ્ર દેવ કરે છે જળાભિષેક. લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું, જેને આજે આપણે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખીએ છીએ. જૂન/જુલાઈ મહિનામાં દરિયો પોતે આ શિવલિંગનો અભિષેક કરે છે, અને કેટલાક સમય માટે આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે. મંદિરનો સૌથી પ્રખ્યાત ઉત્સવ મહા શિવરાત્રી છે, શિવરાત્રીના દિવસે મંદિરની આસપાસ એક ભવ્ય મેળો યોજવામાં આવે છે.

દ્વારકાના કિનારે બનેલ ભડકેશ્વર મંદિર પરમ આનંદનું શિવ મંદિર છે. દ્વારકાના છેવાડાના પશ્ચિમમાં અરબી સમુદ્ર પર એક ટેકરી પર સ્થિત, ભડકેશ્વર મહાદેવ મંદિર ગીતા મંદિર અને રૂક્ષ્મણી મંદિરની ખૂબ નજીક છે. ભડકેશ્વર મહાદેવ મંદિરની અલૌકિક સુંદરતાનું વર્ણન કરવા માટે જેટલું કહીએ તેટલું ઓછું છે.

ભડકેશ્વર મહાદેવ કેવી રીતે પહોંચશો
- હવાઈ માર્ગ – નજીકનું એરપોર્ટ જામનગર અને પોરબંદરમાં છે. આ સ્થળોથી રોડ અથવા રેલ માર્ગે ભડકેશ્વર મહાદેવ જઈ શકાય છે.
- રેલ માર્ગ – દ્વારકા શહેરમાં દ્વારકા રેલ્વે સ્ટેશન છે. રેલ્વે સ્ટેશનથી ભડકેશ્વર મહાદેવ લગભગ 2 કિમી દૂર છે અને રોડ માર્ગે પહોંચી શકાય છે.
- રોડ માર્ગ – NH-947 સીધો દ્વારકા શહેર તરફ જાય છે. અહીં તમે ખાનગી વાહન તથા સરકારી બસ સેવાનો લાભ લઈ શકો છો.
આ પણ વાંચો: મહાશિવરાત્રી અને માસિક શિવરાત્રી વચ્ચે શું અંતર છે?
ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે શાંતિની અનુભૂતિ
ભડકેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા ભક્તોનું કહેવું છે કે, અહીં મહાદેવના દર્શન માત્રથી જ લોકોના દુઃખ દૂર થઈ જાય છે. દૂર-દૂરથી આવતા ભક્તો ભગવાનના દર્શન કરી શાંતિની અનૂભૂતિ કરે છે. આ કારણે ભડકેશ્વર મંદિર સમુદ્રની વચ્ચે આવેલું હોવાથી તેમજ મંદિરની સામે આવેલા વિશાળ પટાંગણમાં પાલિકા દ્વારા મીની ચોપાટી જેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સાંજના સમયે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.