Gayatri Jayanti 2025: ગાયત્રી જંયતી જેઠ સુદ અકાદશી તિથિ પર ઉજવાય છે. આ વખતે 6 જૂન 2025, શુક્રવારના રોજ ગાયત્રી જયંતીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી દેવીને વેદમાતા કહેવામાં આવે છે. હિન્દુ પુરાણો અને વેદોમાં ગાયત્રી મંત્રને સૌથી મહત્વપર્ણ મંત્ર કહેવાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની સાંસરિક અને આધ્યાત્મિક ઉન્નતી થાય છે. જાણો ગાયત્રી મંત્ર જાપ કરવાના ફાયદો
Who Is Gayatri Mata : ગાયત્રી માતા કોણ છે?
ગાયત્રી માતાને વેદમાતા કહેવાય છે. ચાર વેદો, શાસ્ત્રો અને શ્રુતિઓ બધા ગાયત્રી માંથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે. વેદોની ઉત્પત્તિને કારણે તેને વેદમાતા કહેવામાં આવે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવતાઓની આરાધ્યા પણ માનવામાં આવે છે, તેથી તેમને દેવમાતા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તમામ જ્ઞાનની દેવી પણ ગાયત્રી છે, તેના કારણે જ્ઞાન-ગંગાને ગાયત્રી પણ કહેવામાં આવે છે. તેમને ભગવાન બ્રહ્માની બીજી પત્ની પણ માનવામાં આવે છે. ગાયત્રીને દેવી પાર્વતી, સરસ્વતી અને લક્ષ્મીનો અવતાર પણ કહેવામાં આવે છે.
Gayatri Mantra : ગાયત્રી મંત્ર
ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ |
Gayatri Mantra Meaning : ગાયત્રી મંત્રનો અર્થ
પ્રાણ સ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સારા માર્ગે પ્રેરિત કરે.
ગાયત્ર મંત્રનું મહાત્મ્ય
શાસ્ત્રો મુજબ મા ગાયત્રી વેદ માતા તરીકે ઓળખાય છે. વેદોની ઉત્પત્તિ તેમના માંથી જ થઈ છે. ગાયત્રી મંત્રમાં ચાર વેદોનો સાર સમાયેલો છે. તેથી ગાયત્રી જયંતીના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઇએ. શાસ્ત્રો અનુસાર સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માજીના મુખેથી ગાયત્રી મંત્ર પ્રગટ થયો હતો. માતા ગાયત્રીની કૃપાથી બ્રહ્માજીએ ગાયત્રી મંત્રનું ચાર મોંથી ચાર વેદના રૂપમાં અર્થઘટન કર્યું. શરૂઆતમાં તો માતા ગાયત્રીનો મહિમા માત્ર દેવો સુધી જ મર્યાદિત હતો, પરંતુ મહર્ષિ વિશ્વામિત્રે કઠોર તપસ્યા કરીને ગાયત્રી મંત્રનો મહિમા જનમાનસ સુધી પહોંચાડ્યો હતો.
Gayatri Mantra Benefits : ગાયત્રી મંત્ર જાપ કરવાના ફાયદા
24 અક્ષરો ધરાવતો ગાયત્રી મંત્ર એક શક્તિશાળી મંત્ર છે. ગાયત્રી મંત્ર જાપ કરવાથી ઘણા ફાયદા થાય છે. ગૃહસ્થ સંસારી વ્યક્તિથી લઇ સાધુ સંતો અને ઋષિ મુનીઓ ગાયત્રી મંત્રનો જાપ કરે છે. દરરોજ ગાયત્રી મંત્ર જાપ કરવાથી વ્યક્તિમાં અલૌકિક ઉર્જાનો સંચાર થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. જ્ઞાનમાં વધારો છે અને ગુસ્સો શાંત થાય છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિનું નકારાત્મક શક્તિથી રક્ષણ થાય છે. ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગાયત્રી મંત્રનો જાપ બહુ ફાયદા કરવામાં માનવામાં આવે છે.





