Jitodia Vaijnath Mahadev: મહાશિવરાત્રી હિંદુ ધર્મના સૌથી પ્રમુખ તહેવારોમાંથી એક છે. જે દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવાય છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવાશે. ત્યારે આજે અમે તમને આણંદ જિલ્લાના જીતોડિયા ગામમાં આવેલા અનોખું પૌરાણિક શિવાલય વિશે જણાવીશું. આ શિવાલયનું નામ જીતોડિયા વૈજનાથ મહાદેવ છે. તો આવો તમને જીતોડિયા વૈજનાથ મહાદેવના ઇતિહાસ વિશે જણાવીએ…

શું છે ઈતિહાસ?
એક પ્રચલિત ઇતિહાસ મુજબ, આ જગ્યાએ ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. આ વાતની જાણ રાજા સિદ્ધરાજ જયસિંહને થતા તેમના દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઇતિહાસ પ્રમાણે વિક્રમ સંવત 1212માં સિદ્ધરાજ જયસિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આ મંદિરનું બાંધકામ પથ્થર, ચૂના અને માટીથી કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અહીં આવેલં છે ત્રેતાયુગનું શિવાલય, સાત ઋષિઓએ કરી તપશ્ચર્યા
પહેલાના સમયે ભારતના વિવિધ મંદિર જેમ કે, સોમનાથ જેવા મહત્વના મંદિર ઉપર વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે ગુજરાતનું આ મંદિર પણ ખૂબ જ મહત્વનું હોવાથી આ મંદિર પર વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. આ મંદિરને જમીનદોસ્ત થતા બચાવવા માટે તે સમયના ગોસ્વામી પરિવારના લોકોએ લડત આપીને બલિદાન આપ્યું હતું. આ મંદિરને બચાવવા માટે 200થી 250 જેટલા ગોસ્વામી સંતો અને મહંતોએ બલિદાન આપ્યું હતું. આજે પણ મંદિર પાસે તેમની સમાધિ તેમના બલિદાનની સાક્ષી પુરાવી રહી છે.
જીતોડિયા વૈજનાથ મહાદેવ કેવી રીતે પહોંચવું
આ મંદિર આણંદના જીતોડિયા ગામમાં આવેલું છે. ગુજરાતના દરેક શહેરથી આણંદ જવા માટે ખાનગી બસ કે સરકારી બસની સુવિધા છે. રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી આણંદ જઈ શકાય છે. આણંદથી જીતોડિયા વૈજનાથ મહાદેવના મંદિરે જવા રિક્ષા-ટેક્સીની સુવિધા મળી છે.