Navratri 2025 Ashtami Navami Tithi Date : નવરાત્રી એટલે માતાજીની ભક્તિ પૂજા અને આરાધનાનું પર્વ. નવરાત્રીના 9 નોતરા દરમિયાન માતાજીના નવદુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને દશેરા પર યજ્ઞ હવન થાય છે. નવરાત્રીના સાતમ, આઠમ અને નોમ તિથિ પર માતાજીની ખાસ પૂજા કરાય છે અને નૈવેધ ધરાવવામાં આવે છે. નૈવેધમાં ખાસ વાનગીઓનો માતાજીને ભોગ ધરાવાય છે. આ વખતે નવરાત્રીમાં 9 દિવસ નહીં 10 દિવસ છે, આવી સ્થિતિમાં આઠમ નોમ તિથિ પર નૈવેધ ક્યારે કરવા તે અંગે મૂંઝવણ ઉભી થઇ છે. તો ચાલો જાણીયે શારદીય નવરાત્રીના આઠમ, નોમ ક્યારે છે?
Navratri 2025 : નવરાત્રીમાં 9 નહીં 10 દિવસ ઉજવાશે
આ વખતે આસો નવરાત્રી 9 દિવસ નહીં 10 દિવસ ઉજવાશે. નવ વર્ષ બાદ આ વખતે નવરાત્રીમાં એક નોરતું વધ્યું છે. 22 સપ્ટેમ્બર, 2025 સોમવારથી શરૂ થયેલી શારદીય નવરાત્રીમાં ત્રીજું નોરતું બેવડાયું છે, એટલે કે ત્રીજી તિથિ બે વખત છે. તો 2 ઓક્ટોબર, ગુરુવારે દશેરા ઉજવાશે.
આસો નવરાત્રીમાં આઠમ, નોમ ક્યારે છે?
આ વખતે આસો નવરાત્રીમાં એક નોતરું વધારે હોવાથી સાતમ, આઠમ અને નોમના નૈવેધ ક્યારે કરવા તેના વિશે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. વૈદિક પંચાગ મુજબ નવરાત્રીમાં સાતમ તિથિ 29 સપ્ટેમ્બર, આઠમ તિથિ 30 સપ્ટેમ્બર અને 1 સપ્ટેમ્બરે નોમ તિથિ છે. આથી આ ઉપરોક્ત તારીખો પર સાતમ, આઠમ અને નોમના નૈવેધ થશે.
આ પણ વાંચો | નવરાત્રી પર ક્યારે કરશો કન્યા પૂજન? જાણો સાચી તિથિ, મુહૂર્ત, સામગ્રી અને મહત્વ
નૈવેધ કેમ કરવામાં આવે છે?
વૈદિક સંસ્કૃતિમાં દેવી દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેમા ખાસ દિવસ, તિથિ અને તહેવારો પર દેવી દેવતાઓને વિશેષ પ્રસાદ ભોગ અર્પણ કરવામાં આવે છે, જેને નૈવેધ કહેવાય છે. નવરાત્રીમાં માતાજીને નૈવેધ ધરાવવાની પરંપરા છે. નૈવેધમાં માતાજીને લાપસી, કંસાર, શીરો, ખીર પુરી, ચણાનું શાક, રોટલી સહિત વિવિધ મિઠાઇ અને ફળફળાદિ ધરાવવામાં આવે છે.