Panch Kailash Yatra 2025: શંકર ભગવાનના દુનિયાભરમાં કરોડો ભક્તો છે. દરેક શિવ ભક્તની જીવનમાં એકવાર પંચ કૈલાશ યાત્રા કરવાની ઇચ્છા હોય છે. કૈલાશ માનસરોવર યાત્રા વિશે બધા જાણે છે પરંતુ પંચ કૈલાશ યાત્રા વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. કૈલાશ માનસરોવર જેમ પંચ કૈલાશ યાત્રા પણ બહુ કઠિન છે. શું તમે જાણો છો પંચ કૈલાશ યાત્રામાં કયા પર્વતોનો સમાવેશ થાય છે? જો નહીં, તો અહીં અમે તમારી બધી મૂંઝવણો દૂર કરીશું. જો તમે પણ પંચ કૈલાશ યાત્રા કરવાનું વિચારો છો તો સૌથી એ જાણવું જરૂરી છે કે, આ પંચ કૈલાશ પર્વત ક્યા ક્યા છે.
કૈલાશ માનસરોવર પર્વત
પંચ કૈલાશમાં પહેલું નામ ભગવાન શિવનું મુખ્ય નિવાસસ્થાન કૈલાશ પર્વત છે. તે કૈલાશ પર્વત અથવા કૈલાસ માનસરોવર તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે અહીં માનસરોવર તળાવનું પાણી પીવાથી ઘણા જન્મોના પાપ ધોવાઈ જાય છે. કૈલાશ પર્વત તિબેટમાં છે. માટે ભક્તોને અહીં જવા માટે વિઝાની જરૂર પડે છે.
આદિ કૈલાશ
પંચ કૈલાશમાં બીજા પર્વતનું નામ છે આદિ કૈલાશ. તેને છોટા કૈલાશ પણ કહેવામાં આવે છે. તે ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ ક્ષેત્રમાં છે. એવી માન્યતા છે કે ભગવાન શિવે અહીં બેસીને યોગ-ધ્યાનનો અભ્યાસ કર્યો હતો. આદિ કૈલાશ પર્વત પાસે પાર્વતી તળાવ પણ છે.
મણિમહેશ કૈલાશ
આ પર્વત હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલો છે. માન્યતાઓ અનુસાર આ સ્થાન ભગવાન શિવે માતા પાર્વતી માટે બનાવ્યું હતું. શાસ્ત્રોમાં અહીં ભગવાન શિવની તપસ્યા કરવાનો ઉલ્લેખ છે. અહીં મણિ મહેશ તળાવ પણ છે.
કિન્નૌર કૈલાશ
પંચ કૈલાસમાં ચોથું નામ છે કિન્નૌર કૈલાસ. એવું માનવામાં આવે છે કે આ પર્વત પર ભગવાન શંકર પ્રથમ વખત દેવી પાર્વતીને મળ્યા હતા. ઉપરાંત આ સ્થળનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે. અહીં અર્જુને ભગવાન શિવ પાસેથી પશુપતસ્ત્ર મેળવ્યું હતું.
શ્રીખંડ કૈલાશ
શ્રીખંડ કૈલાશ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સ્થિત છે. અહીંની યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આ યાત્રા શ્રાવણ માસમાં જ થાય છે. તે ભારતની સૌથી મુશ્કેલ ટ્રેકિંગ સફર છે.