પાપાંકુશા એકાદશીનું વ્રત દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની અગિયારસના દિવસે રાખવામાં આવે છે. પાપાકુંશાનો અર્થ પાપ રૂપી હાથીને વ્રતના પુણ્ય રૂપી અંકુશથી બાંધવું. વર્ષમાં કુલ 24 એકાદશી તિથિ આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ભગવાન ભક્તો પાસે ક્યારેય ધન-સંપત્તી, સુખ, સૌભાગ્યની કમી થવા દેતા નથી. નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ કરે છે. જેનાથી જીવન ખુશહાલ બની રહે છે. આ વખતે પાપાંકુશા એકાદશીનું વ્રત આજે 6 ઓક્ટોબર 2022 ને ગુરુવારે છે.
પાપાંકુશા એકાદશી વ્રતનું મહત્વ
પાપાંકુશા એકાદશીના દિવસે ભગવાન પદ્મનાભની પૂજા કરાય છે. આ વ્રતને રાખવાથી બધા પ્રકારના પાપોનો નાશ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ટિરને કહ્યું હતું કે આ વ્રત બધાએ રાખવું જોઈએ. આનાથી જીવનમાં ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. જે આ વ્રતને નિયમપૂર્વક રાખે છે તેને સારો જીવનસાથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મૃત્યુ બાદ પણ સ્વર્ગ લોકમાં પણ સ્થાન પ્રાપ્ત થાય છે.
પાપાંકુશા એકાદશી વ્રત શુભ મુહૂર્ત
હિન્દુ પંચાંગ અનુસાર પાપાંકુશા એકાદશી આસો મહિનાના શુક્લ પક્ષની અગિયારસના દિવસે આવે છે. પાપાંકુશા એકાદશીનું શુભ મુહૂર્ત 5 ઓક્ટોબર બુધવારે સવારે 12 વાગ્યાથી છે. પારણનો સમય બીજા દિવસે 7 ઓક્ટોબરના સવારે છ વાગ્યાને 17 મિનિટથી લઈને 7 વાગ્યાને 26 મિનિટ સુધી રહેશે.
આ પણ વાંચોઃ- અધર્મ પર ધર્મનો વિજયઃ દશેરાના દિવસે ફાફડા-જલેબી કેમ ખવાય છે? માન્યતાઓ અને વૈજ્ઞાનિક કારણ
પાપાકુંશા એકાદશીના દિવસે આ સાત ધાન્ય ન ખાવા જોઈએ
આ વ્રત કરવાથી અશ્વમેઘ અને સૂર્ય યજ્ઞ કરવાના સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રતના નિયમોનું પાલન એક દિવસ પૂર્વે એટલે કે દશમી તિથિથી કરવું જોઈએ. આ દિવસ સાત પ્રકારના અનાજ અને કઠોળ જેમાં ઘઉં, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને મસૂરની દાળ ન ખાવી જોઈએ. કારણે આ સાત અનાજ અને કઠોળની પૂજા એકાદશીના દિવસે કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ- 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થવાનું છે, આ 4 રાશિના જાતકોની વધી શકે છે મુશ્કેલીઓ
પાપાકુંશા એકાદશીની પૂજા વિધિ
એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. સંકલ્પ લીધા બાદ ઘટ સ્થાપના કરવી જોઈએ અને કળશ ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખીને પૂજા કરવી જોઈએ. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. વ્રતના આગલા દિવસે દ્વાદશી તિથિએ બ્રાહ્મણોને ભોજન અને અન્યનું દાન કર્યા બાદ વ્રત ખોલવું જોઈએ.