Vasant Panchami 2025 Puja Vidhi Date Shubh Muhurat : હિંદુ ધર્મમાં વસંત પંચમી તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માએ આ દિવસે જ્ઞાન, વિદ્યા અને સંગીતની દેવી માતા સરસ્વતીને પ્રગટ કર્યા હતા. આ કારણે વસંત પંચમીને માતા સરસ્વતીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
વસંત પંચમીને બસંત પંચમી અને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. સાથે જ આ દિવસે 2 ખાસ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્વ પણ વધુ વધી ગયું છે. આવો જાણીએ વસંત પંચમીની તિથિ અને પૂજાનો શુભ સમય.
વસંત પંચમી 2025 તારીખ
વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે આ તારીખ 2 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 9:15 વાગ્યે શરૂ થશે. તેનું સમાપન 3 ફેબ્રુઆરીએ સવારે 06:53 વાગ્યે થશે. આથી 2 ફેબ્રુઆરી 2025ના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. કારણ કે 3 ફેબ્રુઆરીએ સૂર્યોદય થતા જ પંચમી તિથિ સમાપ્ત થઈ રહી છે, જેના કારણે મહા સુદ પાંચમ તિથિનો ક્ષય માનવામાં આવે છે.
વસંત પંચમી પૂજા મુહૂર્ત
પંચાગ અનુસાર 2 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 7.08 થી બપોરે 12.34 વાગ્યા સુધી પૂજા કરી શકો છે. આ દિવસે પૂજા માટે લગભગ 5 કલાક અને 26 મિનિટનો સમય મળશે.
આ પણ વાંચો – વસંત પંચમીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે? જાણો પૌરાણિક કથા
બની રહ્યા છે આ શુભ યોગ
આ દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ બંને યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ યોગમાં પૂજા કરવાથી તમને બમણું ફળ મળે છે.
વસંત પંચમી પૂજાનું મહત્વ
આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન અને સંપત્તિના આશીર્વાદ મળે છે. આ દિવસે દેવી સરસ્વતીની વિધિવત પૂજા કરવાની સાથે પીળા રંગનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે, કારણ કે માતાને પીળો રંગ ખૂબ જ પ્રિય હોય છે. વસંત પંચમી પર શિક્ષણ અને સંગીત સાથે જોડાયેલા લોકો દેવી સરસ્વતીની પૂજા કરે છે. તેઓ જ્ઞાનની દેવી પાસેથી બુદ્ધિ અને વિદ્યાની કામના કરે છે. સાથે જ શાળા અને કોલેજોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને આ દિવસે સરસ્વતી પૂજામાં ભાગ લે છે.