(ઐશ્વર્યા રાજ) દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટીએ મેયર અને ડેપ્યુટી મેયર પદના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના ઘણા નેતાઓએ મેયરની ચૂંટણી નહીં લડવાના સંકેત આપ્યા હતા, પરંતુ હવે કદાચ પાર્ટી પોતાના નિર્ણય પર ફેર વિચારણા કરી રહી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હી ભાજપે સંકેત આપ્યા છે કે તે મેયર પદ માટેની ચૂંટણી લડી શકે છે. સૂત્રોનું એવું પણ જણાવ્યુ કે, ભાજપ અપક્ષ ઉમેદવારોને પણ સમર્થન આપી શકે છે.
એક સૂત્રએ ધી ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “ઘણા નેતાઓએ કહ્યું હતું કે ભાજપ ચૂંટણી નહીં લડે પરંતુ આ પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી. હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે અને ચૂંટણીમાં ભાજપ કાઉન્સિલરને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ વધારે છે. ચૂંટણી યોજાશે તો કંઇ પણ થઇ શકે છે. ભાજપના કોઈપણ કોર્પોરેટર મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી કરી શકે છે અને ચૂંટણી લડી શકે છે. 27 ડિસેમ્બર સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે.
ભાજપે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ કરી નથી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં ભાજપ પોતાનો ઉમેદવાર ઉતારશે કે નહીં તે અંગે ભાજપે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી. મ્યુ. કોર્પોરેશનમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન હતું, પરંતુ આ ચૂંટણીમાં ભાજપે માત્ર 104 વોર્ડ જીત્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ 134 બેઠકો પણ જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 9 કાઉન્સિલરો જીત્યા હતા.
AAPએ કોને ઉમેદવાર બનાવ્યા?

દિલ્હીના મેયરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોયને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તેમણે ઇસ્ટ પટેલ નગરમાંથી કોર્પોરેટરની ચૂંટણી જીતી છે. આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 76ના કાઉન્સિલર આલે મોહમ્મદ ઈકબાલને ડેપ્યુટી મેયરના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેઓ ત્રણ વખતથી કાઉન્સિલર રહેલા છે. ઇકલાબે જણાવ્યુ કે, તેઓ ઘણા વર્ષો બાદ આ પદ માટે નામાંકિત થનાર પ્રથમ મુસ્લિમ નેતા બની શકે છે. આલે મોહમ્મદ ઈકબાલ ચાંદની મહેલ વોર્ડમાંથી 17,134 મતોના માર્જિન સાથે જીત્યા છે, જે MCD ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી વધુ માર્જિન છે.