ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો પર એક તબક્કામાં ચૂંટણી યોજાશે. કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે. 3 ડિસેમ્બરે મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ
21 ઓક્ટોબર 2023ના રોજ મધ્યપ્રદેશ ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જ્યારે 30 ઓક્ટોબર, 2023 ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. 31 ઓક્ટોબર 2023 સુધી નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે તમામ ઉમેદવારો 2 નવેમ્બર 2023 સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. મધ્યપ્રદેશની ચૂંટણી માટે 17મી નવેમ્બરે મતદાન થશે. પરિણામ 3જી ડિસેમ્બરે આવશે.
મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા બેઠકો છે. જેમાંથી 148 બેઠકો પર સામાન્ય ઉમેદવારો ચૂંટણી લડી શકે છે. તો અનુસૂચિત જાતિ માટે 35 બેઠકો અનામત છે. જ્યારે 47 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં કુલ 5 કરોડ 60 લાખ મતદારો છે.
ભાજપે મધ્યપ્રદેશ ચૂંટણી માટે ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે. મધ્યપ્રદેશ ચૂંટણી માટે ભાજપે 79 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. સ્વાભાવિક છે કે, ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નામાંકન માટે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમામ પક્ષો ટૂંક સમયમાં તેમના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરશે.
મધ્યપ્રદેશના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહ ચૌહાણ બુધનીના ધારાસભ્ય છે. શિવરાજ ચૌહાણ નવેમ્બર 2005થી લઈને 2018ની ચૂંટણી સુધી સતત મુખ્યમંત્રી રહ્યા. 2018માં કોંગ્રેસની જીત બાદ કમલનાથના નેતૃત્વમાં સરકાર બની હતી. પરંતુ માર્ચ 2020 માં, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાતા, શિવરાજ સિંહને ફરી એકવાર તાજ પહેરાવવામાં આવ્યો. મધ્યપ્રદેશ ઉપરાંત છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.