આમિર ખાન અને ફાતિમા સના શેખના અફેરના સમાચારો વચ્ચે બંને એકસાથે પિકલબોલ રમતા જોવા મળ્યા છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આમિર ખાન લાલ ટી-શર્ટ અને બ્લેક પેન્ટ સાથે ખૂબ જ ઝડપથી ગેમ રમતા જોવા મળે છે. જ્યારે ફાતિમા ગ્રે ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આમિર ખાન પણ તેની દીકરી ઈરા ખાન સાથે પિકલબોલ રમતા જોવા મળ્યો હતો.
‘દંગલ’ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’માં આમિર ખાન સાથે કામ કરી ચૂકેલી ફાતિમા સના શેખનું ઘણા સમયથી અભિનેતા સાથે અફેર હોવાની અફવા ચાલી રહી છે. ઘણી વખત આ સમાચાર સામે આવ્યા છે કે આમિર ખાન અને ફાતિમા લગ્ન કરવાના છે. જો કે આ અફવાઓ પર મૌન તોડતા ફાતિમાએ કહ્યું હતું કે, તે આવી અફવાઓથી પરેશાન થઈ જાય છે. જો કે, તે હવે આવી વસ્તુઓનો સામનો કરવાનું શીખી ગઇ છે અને સમય સાથે તેનો અંદાજ પણ બદલાયો છે.
મહત્વનું છે કે, ફાતિમા આમિર ખાનના પરિવાર અને ખાસ કરીને આમિરની દીકરી ઈરા ખાનની ખૂબ જ નજીક છે. ગયા વર્ષે જ્યારે ઇરાએ તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી, ત્યારે ફાતિમાએ કપલ માટે એક સુંદર નોટ શેર કરી હતી. તે ઘણીવાર આમિર ખાન સાથે જોવા મળે છે. જેને પગલે લોકોને એવું લાગે છે કે આમિર અને ફાતિમાનું અફેર ચાલી રહ્યું છે. વર્ષ 2018માં ફાતિમાએ બોલિવૂડ હંગામાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને કહ્યું હતું કે તેને કોઈને સમજાવવાની જરૂર નથી લાગતી કારણ કે તેને લાગે છે કે તમે ગમે તે કરો, લોકો હંમેશા તમારા વિશે વાત કરશે.
વધુમાં ફાતિમાએ કહ્યું હતું કે, જો કોઈ તમારા પર આરોપ લગાવે છે, તો તમે તેને પૂછો કે તમને આવું કેમ લાગે છે? જો તમે આક્રમક વ્યક્તિ છો તો તમે હુમલો કરશો અને જો તમે નમ્ર વ્યક્તિ છો તો તમે તેના વિશે પણ વાત કરશો.