અમિતાભ બચ્ચનની વર્ષ 2022 ની ફિલ્મ “ઝુંડ” માં ઘણા કલાકારો હતા, જેમાં પ્રિયાંશુ ઉર્ફે બાબુ રવિ સિંહ છેત્રીનો સમાવેશ થાય છે, જેની હત્યા કરવામાં આવી છે. ફિલ્મમાં “બાબુ છેત્રી” ની ભૂમિકા ભજવનાર પ્રિયાંશુની નાગપુરમાં દારૂના નશામાં થયેલી બોલાચાલી બાદ તેના મિત્ર દ્વારા કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
આરોપી જેની ઓળખ ધ્રુવ લાલ બહાદુર સાહુ (20) તરીકે કરવામાં આવી છે, તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાહુ અને પ્રિયાંશુ નજીકના મિત્રો હતા અને ઘણીવાર સાથે દારૂ પીતા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ કેસની માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, “મંગળવારે મધ્યરાત્રિ પછી સાહુ અને પ્રિયાંશુ દારૂ પીવા માટે સાહુની મોટરસાઇકલ પર જરીપટકા વિસ્તારમાં એક ખાલી ઘરમાં ગયા હતા. છેત્રી બુધવારે સવારે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો અને થોડા સમય પછી તેનું મૃત્યુ થયું હતું.”
આ પણ વાંચો: અરબાઝ ખાને પોતાની દીકરીને આપ્યું ખુબ જ સુંદર નામ, મતલબ જાણીને તમે પણ કહેશો “વાહ”
નશામાં ધૂત પ્રિયાંશુએ કથિત રીતે દલીલ દરમિયાન સાહુને ધમકી આપી હતી અને પછી સૂઈ ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “નુકસાનના ડરથી સાહુએ કથિત રીતે પ્રિયાંશુને વાયરથી બાંધી દીધો અને તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો.” બુધવારે સ્થાનિકોએ પ્રિયાંશુને પ્લાસ્ટિકના વાયરથી બાંધેલો, અર્ધ નગ્ન હાલતમાં જોયો અને પોલીસને જાણ કરી. પોલીસે તેને તાત્કાલિક માયો હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કર્યો હતો.
નાગરાજ મંજુલે દ્વારા દિગ્દર્શિત, “ઝુંડ” માં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ NGO સ્લમ સોકરના સ્થાપક વિજય બરસેના જીવન પર આધારિત હતી. આ ફિલ્મ એક રમત શિક્ષક વિશે હતી જે નિવૃત્તિની આરે છે, ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે ફૂટબોલ ટીમ બનાવે છે અને તેમનું જીવન બદલી નાખે છે. તે ફૂટબોલ ટીમના સભ્ય પ્રિયાંશુનું અવસાન થયું છે.