વધુ એક પ્રખ્યાત કલાકાર અને ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. એક્ટર જિમમાં વર્ક આઉટ કરતા સમયે પડી ગયો હોવાનું સ્પષ્ટ થયું છે. સિદ્ધાર્થના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સારવાર કરીને તેમને સાજા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે તે તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યાં અને અભિનેતાને મૃત જાહેર કર્યો.
આ સમાચારને પગલે સોશિયલ મીડિયા પર લોકો અભિનેતાના પરિવાર અને સંબંધિઓને સાંત્વના આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એક્ટરે તેનું નામ આનંદ સૂર્યવંશીથી બદલી સિદ્ધાંત સૂર્યવંશી રાખ્યું હતું.
ટીવી એક્ટર જય ભાનુશાળીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. સિદ્ધાંત વીરની તસવીર શેર કરતાં તેણે લખ્યું કે ભાઈ તમે બહુ જલ્દી દુનિયાને અલવિદા કહી દીધું. આ સાથે જય ભાનુશાળીએ Indianexpress.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને આ માહિતી મારા કોમન મિત્ર પાસેથી પ્રાપ્ત થઇ છે કે જિમમાં વર્કઆઉટ સિદ્ઘાંત સાથે બનેલા અકસ્માતમાં દમ તોડી દીધો હતો.
ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘તે ખૂબ જ દુઃખદ છે. કોઈપણ તબીબી સલાહ વિના ભારી ભરખમ બોડી બનાવવું ખૂબ જોખમી છે. હાયપર-જીમિંગ એ એક પ્રકારનું પાગલપન છે. જેને ઇન્સ્ટાગ્રામના કારણે પ્રોત્સાહન મળી રહ્યું. જેને ચોક્કસપણે રોકવાની જરૂર છે. સમાજે પુનર્વિચાર કરવાની જરૂર છે. ॐ શાંતિ’.
આ પણ વાંચો: બોની કપૂરે ફિલ્મ ‘મિ.ઇન્ડિયા’ને લઇ વર્ષો બાદ કર્યો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાંતે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેણે ટીવી સીરીયલ ‘કુસુમ’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે ‘સુફિયાના ઈશ્ક મેરા’, ‘ઝિદ્દી દિલ માને ના’, ‘વારિસ’, ‘સાત ફેરેઃ સલોની કા સફર’, ‘કસૌટી જિંદગી કી’ જેવા શોનો ભાગ રહી ચૂક્યો છે. તે છેલ્લે ઝી ટીવીના શો ‘ક્યૂ રિશ્તો મેં કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે, આ પહેલાં પણ જીમમાં વર્ક આઉટ કરતા સમયે ધ કિંગ ઓફ કોમેડી રાજી શ્રીવાસ્તવની તબિયત લથડી હતી. જેને પગલે તેઓ લગભગ 40 દિવસ આસપાસ હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતા. તેમ છતાં તેઓએ આ દુનિયાને અલવિદા કહી દીધું અને પ્રશંસકોને મોટો આઘાત લાગ્યો હતો.