અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તે ટીવી શો ‘ઉડાન’ અને સર્ફની કોમર્શિયલમાં લલિતાજીની ભૂમિકા માટે જાણીતી છે. કવિતાના મૃત્યુના સમાચાર તેમના ભત્રીજા અજય સયાલે ઈન્ડિયન એક્સપ્રેસને આપ્યા છે. તેમણે કહ્યું કે, અભિનેત્રીને 15 ફેબ્રુઆરીની રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તે પોતાની અંતિમ ક્ષણોમાં અમૃતસરમાં હતા.
તેમણે કહ્યું, “ગુરુવારે રાત્રે 8.30 કલાકે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું મૃત્યુ થયું હતું.” તેમણે અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. અભિનેતા અનંગ દેસાઈએ પણ તેમના મૃત્યુ અંગે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, “મને આજે સવારે ખબર પડી કે, કવિતા હવે નથી રહી. ગત રાત્રે તેમનું અવસાન થયું હતું. આ ખૂબ જ દુઃખદ બાબત છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તે અમારી બેચમેટ હતી. અમારી તાલીમ દરમિયાન અમે ત્રણ વર્ષ NSD માં સાથે અભ્યાસ કર્યો. હું, સતીશ કૌશિક, અનુપમ ખેર, ગોવિંદ નામદેવ, અમે બધા એક જ બેચમાં હતા.
અનંગે કહ્યું, “કવિતાએ થોડા વર્ષો પહેલા કેન્સર હોવાનું નિદાન કરાવ્યું હતું, અમે તે પછી મળ્યા હતા પરંતુ, તે આ વાત ખાનગી રાખવા માંગતી હતી, તેથી અમે આ વિશે કોઈની સાથે વાત કરી નથી.” તે અમૃતસરની હતી અને ત્યાં જ મૃત્યુ પામી. મેં તેની સાથે લગભગ 15 દિવસ પહેલા વાત કરી હતી જ્યારે તે મુંબઈમાં હતી. તેમની તબિયત સારી ન હતી. કવિતાના ભત્રીજાએ મને સવારે તેના મૃત્યુ વિશે જણાવ્યું.
આ પણ વાંચો – મલ્લિકા રાજપૂત નું શંકાસ્પદ મોત, પ્રખ્યાત સિંગર-એક્ટર ની લાશ રૂમમાં લટકતી મળી
કવિતાએ 1989 માં પ્રસારિત સિરિયલ ‘ઉડાન’માં કામ કર્યું હતું. તેણે આ શોમાં IPS ઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવી હતી. તેણે તે શો લખ્યો અને દિગ્દર્શિત પણ કર્યો. જે તેમની બહેન કંચન ચૌધરી ભટ્ટાચાર્યના જીવન પર આધારિત હતી, જે કિરણ બેદી પછી બીજા આઈપીએસ અધિકારી બન્યા હતા.
કવિતા 1980 અને 1990 ના દાયકામાં પ્રખ્યાત સર્ફ જાહેરાતમાં લલિતા જીની ભૂમિકા ભજવવા માટે પણ જાણીતી હતી.