Adipurush Film Controversy : પ્રભાસની ફિલ્મ આદિપુરુષને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ નેપાળમાં પણ ભારે હોબાળો મચી ગયો છે. સિનેમાઘરોની બહાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ કારણથી નેપાળમાં પહેલા આદિપુરુષ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે આ કડીમાં કાઠમંડુના મેયરે જાહેરાત કરી છે કે આવતીકાલથી (19 જૂન) અહીં કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ થવાની નથી. કાઠમાંડુ મેટ્રોપોલિટન સિટી દ્વારા પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ હિન્દી ફિલ્મ કાઠમાંડુના થિયેટરોમાં રિલીઝ થશે નહીં.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે નેપાળમાં આદિપુરુષ ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મમાં જાનકીને ભારતની દીકરી તરીકે દર્શાવવામાં આવી છે. નેપાળને આ બાબતે પર વાંધો છે, કાઠમાંડુના મેયર બાલેન શાહે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દે તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે કાઠમાંડુના જેટલા પણ થિયેટરો છે ત્યાં હિન્દી ફિલ્મો સ્ક્રિનિંગ કરવામાં આવશે નહીં.
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થયા બાદથી જ પોતાના ડાયલોગ્સને કારણે વિવાદોથી ઘેરાયેલી છે. ભગવાન હનુમાનના ડાયલોગ પર વિવાદ વધી રહ્યો છે. જેને મનોજ મુંતશિરે લખ્યા છે. આ ફિલ્મનો એક ડાયલોગ ચર્ચાનો વિષય છે. જ્યારે હનુમાનજી લંકા સળગાવે છે તે સમયનો છે. જેમાં હનુમાન જી કહે છે કે, કપડા તેરે બાપ કા, આગ તેરે બાપ કી, તેલ તેરે બાપ કા, જલેગી ભી તેરે બાપ કી. આ ડાયલોગને લઈને ઘણો વિવાદ થઈ રહ્યો છે. વિવાદ વધતા લેખક મનોજ મુંતશિરે એક મોટી જાહેરાત કરી છે.
આ પણ વાંચો – પ્રેક્ષકોના મનમાં ‘આદિપુરુષ’ પર આટલો ગુસ્સો કેમ છે? ફિલ્મમાં આ 7 બાબતો કારણભૂત હતી
લેખકે કહ્યું છે કે આ અઠવાડિયે ફિલ્મના વિવાદિત સંવાદો બદલવામાં આવશે. મનોજ મુંતશિરે રવિવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. આ ફિલ્મ 16 જૂને રિલીઝ થઈ હતી. પહેલા દિવસે 140 કરોડનું રેકોર્ડ કલેક્શન થયું હતું. પરંતુ ફિલ્મને લઇને વિવાદ પણ સતત થઇ રહ્યો છે.
મનોજ મુંતશિરે શું કહ્યું
મનોજ મુંતશિરે ટ્વિટ કરતા લખ્યું કે રામ કથામાંથી સૌથી પહેલો પાઠ શીખી શકાય છે તે દરેક ભાવનાને માન આપવાનો છે. સાચું હોય કે ખોટું, સમયની સાથે બદલાય છે, લાગણી રહી જાય છે. મેં આદિપુરુષમાં 4000થી વધુ લાઇનો લખી, 5 સંવાદ પર કેટલીક ભાવનાઓને ઠેસ પહોંચી છે. તે સેંકડો પંક્તિઓમાં માતા સીતાના સતીત્વનું વર્ણન કર્યું, શ્રી રામની પ્રશંસા કરવામાં આવી હતી. તેના માટે પ્રશંસા મળવી જોઇતી હતી પણ ખબર નહીં કેમ ના મળી. મારા પોતાના ભાઈઓએ સોશિયલ મીડિયા પર મારા માટે અભદ્ર શબ્દો લખ્યા હતા. હું વિચારતો રહ્યો, મતભેદ થઈ શકે છે, પરંતુ મારા ભાઈઓ અચાનક આટલી કડવાહટ ક્યાંથી આવી ગઇ કે તેઓ શ્રી રામના દર્શનને ભૂલી ગયા જે દરેક મા ને પોતાની માતા માને છે. શબરીના ચરણોમાં એવી રીતે બેસ્યા જાણે કૌશલ્યાના ચરણોમાં બેઠા હોય. બની શકે કે મેં 3 કલાકની ફિલ્મમાં તમે ધાર્યું હતું તેના કરતા અલગ રીતે 3 મિનિટ લખી હશે. પરંતુ મને ખબર નથી કે તમે મારા માથા પર સનાતન વિરોધી લખવાની આટલી ઉતાવળ કેમ કરી, હું જાણી શક્યો નહીં.
તમારી લાગણીઓથી વધારે કશું જ નથી- મનોજ
લેખકે આગળ લખ્યું કે આ પોસ્ટ શા માટે? કારણ કે મારા માટે તમારી લાગણીઓથી વધુ મહત્ત્વનું બીજું કશું નથી. હું મારા સંવાદોની તરફેણમાં અસંખ્ય દલીલો કરી શકું છું, પરંતુ તેનાથી તમારું દર્દ ઓછું નહીં થાય. મેં અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકે નક્કી કર્યું છે કે જે કેટલાક સંવાદો છે જે તમને આહત કરી રહ્યા છે અમે તેને સંશોધિત કરીશું અને આ જ સપ્તાહે ફિલ્મમાં સામેલ કરવામાં આવશે. શ્રી રામ તમારા બધા પર કૃપા કરે.





