શો સ્પ્લિટ્સવિલા અને ગંદી બાત ફેમ અભિનેતા અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું અચાનક નિધન થતાં બધા દંગ રહી ગયા છે. 22 મે સોમવારના રોજ બપોરે તેના ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્યના અચાનક નિધનથી દરેકના મનમાં એ સવાલ ઉભો થઇ રહ્યો હતો કે આખરે શું છે તેના મોતનું કારણ. તો હવે એ ભેદ ઉકેલાય ગયો છે. આદિત્યના એક મિત્રએ તેના મોતને લઇને મોટો ખુલાસો કર્યો છે.
આદિત્ય સિંહના મિત્રનો ઘટસ્ફોટ
ઉલ્લેખનીય છે કે, આદિત્ય સિંહનું મોત ડ્રગ્સના ઓવરડોઝથી થયું હોવાની ચર્ચા થઇ રહી હતી. જો કે, આદિત્યના નજીકના મિત્રએ આ વાતને નકારી કાઢી હતી. આદિત્ય મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો હતો. બિલ્ડિંગના 11માં માળે રહેતા આદિત્યની બોડી સૌથી પહેલા તેના મિત્રએ જોઈ હતી. ત્યારે આદિત્યના મિત્ર સુબુહી જોશીએ એવો દાવો કર્યો છે કે, આદિત્યનું મોત બાથરૂમમાં પડી જવાને કારણે થયું હતું અને અભિનેતાના માથા પર ઈજાના નિશાન પણ હતા.
સુબુહી જોશીના જણાવ્યા અનુસાર, આદિત્ય સિંહ રાજપૂતના ઘરના હેલ્પરે તેને જાણ કરી હતી કે અભિનેતાને એસિડિટી થઈ હતી. આ પછી તે બાથરૂમમાં ગયો. ત્યાં જ બાથરૂમમાંથી પડવાનો અવાજ આવ્યો. ઘરના હેલ્પર બાથરૂમમાં દોડી ગયા અને જોયું તો આદિત્ય ત્યાં જમીન પર પડેલો હતો. તેમણે તરત જ સુબુહી જોશીને ફોન કર્યો. સુબુહીના કહેવા પ્રમાણે, તે આદિત્ય સિંહ રાજપૂતના ઘરથી બે-ત્રણ મિનિટ દૂર રહે છે. તે તરત જ દોડી આવી. સુબુહીએ આદિત્યને બાથરૂમમાં પડેલો જોયો. તેના માથા પર ઈજાના નિશાન હતા. સુબુહીના કહેવા પ્રમાણે, બાથરૂમમાં જ્યાં આદિત્ય પડ્યો હતો ત્યાં ટાઇલ્સમાં તિરાડો જોવા મળી હતી. આદિત્યના પડવાનો અવાજ ખૂબ જોરથી સંભળાયો હતો.
આ સમાચાર તદ્દન ખોટા
સુબુહી જોશીએ એમ પણ કહ્યું કે આદિત્ય સિંહ રાજપૂતને કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો નથી. આ સમાચાર તદ્દન ખોટા છે. હકીકતમાં, આદિત્યના પડી ગયા પછી તરત જ બિલ્ડિંગની નીચે રહેતા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. તે ડોક્ટરે તરત જ ECG કર્યું અને કહ્યું કે આદિત્યનું મૃત્યુ પડી જવાને કારણે થયું છે. ત્યારબાદ સુબુહી જોશીએ પોલીસને ફોન કર્યો. પોલીસે તમામની પૂછપરછ કરી અને આદિત્યના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો હતો.