બોલીવુડના ‘બીગ-બી’ ગણાતા અમિતાભ બચ્ચનના અવાજની નકલ કરવી, ફોટોનો ઉપયોગ કરવો કાયદાનો ભંગ ગણાશે અને કસૂરવારને સજા પણ થઇ શકે છે. મેગાસ્ટર અમિતાભ બચ્ચને દિલ્હી હાઇકોર્ટમાં પોતાના ફોટો અને અવાજના ઉપયોગ સહિત પર્સનાલિટી રાઇટ્સને લઇને એક અપિલ દાખલ કરી છે. આ અપિલ પર દિલ્હી હાઈકોર્ટે શુક્રવારના રોજ વચગાળાનો મનાઈહુકમ મંજૂર કર્યો છે જેમાં “પબ્લિસિટી’ માટે અમિતાભ બચ્ચનના નામ, ફોટો અને અવાજનો તેમની મંજૂરી વગર ઉપયોગ કરવા પર રોક લગાવી છે.
અમિતાભ બચ્ચન તરફથી હાજર રહેલા તેમના સિનિયર વકીલ હરીશ સાલ્વેએ દલીલ કરી હતી કે, એવા ઘણા લોકો છે જેઓ પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓના પ્રચાર માટે અભિનેતાના નામ, અવાજ અને ફોટોનો ઉપયોગ તેમની પરવાનગી વગર કરી રહ્યા છે. આ કેસ બચ્ચન તરફથી એડવોકેટ પ્રવિણ આનંદ પણ હાજર રહ્યા હતા.
સિનિયર વકીલ સાલ્વેએ ધ્યાન દોર્યું કે, ઘણા લોકો અમિતાભ બચ્ચનના નામ અને કેબીસી લોગોનો ઉપયોગ કરીને લોટરી ચલાવી રહ્યા હતા તો કેટલાં તેમના ફોટોવાળી ટી-શર્ટ પણ વેચી રહ્યા હતા. ઘણા સમયથી આ ઢોંગ ચાલી રહ્યો છે… ગુજરાતમાં એક લોટરી ચાલી રહી છે તેમાં KBCના લોગોની નકલ કરી છે જ્યાં તેમનો ફોટો પણ છે… તે કૌભાંડ હોય તેવું લાગે છે… કોઈ લોટરી નથી…કોઈ જીતતું નથી.”

કેટલાક લોકો અમિતાભ બચ્ચનના નામ સાથે પોસ્ટર વેચતા હતા, સાલ્વેએ વધુમાં જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન વિડીયો કોલ એપ પણ હતી, જ્યાં કોલ કરનાર બચ્ચન જેવો અવાજ ધરાવતા વ્યક્તિ સાથે વાત કરી શકે છે. ‘અમિતાભ બચ્ચન વિડિયો કૉલ’ નામની મોબાઇલ ફેસિલિટીનું ડિસ્ક્રિપ્શન, મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે અને જણાવે છે કે “અમિતાભ બચ્ચન એ એક નકલી વિડિયો કૉલ એપ્લિકેશન છે અને તેમાં વૉઇસ ચેટિંગ પણ કરી શકાય છે પરંતુ તે પણ પ્રૅન્ક કૉલ છે. અમિતાભ બચ્ચન બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટાર પૈકી એક છે અને તે સદીના મહાનાયક તરીકે ઓળખાય છે.
એડવોકેટ સાલ્વેએ એવી પણ રજૂઆત કરી હતી કે ,ઘણા એવા લોકો પણ છે જેમણે અમિતાભ બચ્ચનના નામે “ડોમેન નેમ” પણ રજિસ્ટર કર્યા હતા અને આ બધી પ્રવૃત્તિઓ તેમની જાણ અને પરવાનગી વગર થઈ રહી છે
તેમણે ઉમેર્યુ કે, “અમે જ્હોન ડીઓની કાર્યવાહી કરવાની પણ માંગણી છે કારણ કે અમને ખબર નથી કે આમાં કેટલા લોકો સામેલ છે…, અમે મનાઈ હુકમની માંગણી કરીયે છીએ, અને અમે તમામ પ્રતિવાદીઓને નોટિસ આપી છે પરંતુ કોઈ હાજર થયું નથી.”
સાલ્વેએ જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટે પ્રતિવાદીઓને “પબ્લિસિટી, પર્સનાલિટી રાઇટ્સ” નું ઉલ્લંઘન કરવા અને કોઈપણ વ્યવસાયિક હેતુ માટે અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને ફોટોનો ઉપયોગ કરતા અટકાવવા વચગાળાના મનાઈ હુકમની માંગણી કરી હતી.
ન્યાયાધીશે શું ચુકાદો આપ્યો
એકલ જજની ખંડપીઠના ન્યાયમૂર્તિ નવીન ચાવલાએ પોતાના આદેશમાં “એક્સ-પાર્ટી એડ વચગાળાનો મનાઈહુકમ” મંજૂર કરતાં જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન એક પ્રખ્યાત વ્યક્તિત્વ છે અને વિવિધ જાહેરાતો પણ આવે છે. ઘણા લોકો તેમના ચીજવસ્તુઓ અને સેવાઓની પબ્લિસિટી માટે અમિતાભ બચ્ચનનની અવાજ, ફોટોનો ઉપયોગ તેમની પરવાનગી વગર કરી રહ્યા હોવાથી બચ્ચન નારાજ થયા છે. આવી બાબતોથી અભિનેતાને ઘણું નુકસાન પણ થઇ શકે છે અથવા તો હાનિ પહોંચી શકે છે. આથી અદાલત આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વચગાળાનો આદેશ પસાર કરે છે.
અમિતાભ બચ્ચનના નામની ગેરકાયદેસરની લિંક/વેબસાઇટ પણ બંધ થશે
હાઈકોર્ટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને બચ્ચનના પબ્લિસિટી રાઇટ્સનું ગેરકાયદેસર રીતે ઉલ્લંઘન કરતી અરજીમાં આપવામાં આવેલી તમામ લિંક્સ/વેબસાઈટ્સને બંધ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

ઉપરાંત અદાલતે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરોને વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્લિકેશન પર વાયરલ કરવામાં આવેલા મેસેજ જેમાં અમિતાભ બચ્ચનના પર્સનાલિટી રાઇટ્સનું ઉલ્લંઘન થતું હોય તેવા કિસ્સામાં મેસેજ ફરતા કરવા માટે પ્રતિવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નંબરોને બ્લોક કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
આ અરજીમાં જણાવાયું છે કે, અમિતાભ બચ્ચન સેલિબ્રિટીનો દરજ્જો ધરાવતી વ્યક્તિ છે અને તેથી તેમના વ્યક્તિત્વના તમામ બાબતો પર “પર્સનાલિટી/પબ્લિસિટી/સેલિબ્રિટી રાઇટ્સ” ધરાવે છે.