Animal Box Office Collection Day 12 : સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત રણબીર કપૂર (Ranbir Kapoor) સ્ટારર ‘એનિમલ’ (Animal) બોક્સ ઓફિસ પર થંભાવાનું નામ લઇ રહીં નથી. ‘એનિમલ’નો દબદબો સિનેમાઘરોમાં યથાવત જોવા મળી રહ્યો છે. ભારત સહિત વિદેશમાં પણ ‘એનિમલ’નો ભારે ક્રેઝ છે. જેને પગલે ‘એનિમલ’એ બોક્સ પર બંપર કમાણી કરી અનેક રેકોર્ડ તોડી પોતાના નામનો ડંકો વગાડ્યો છે. ત્યારે હવે એનિમલે વઘુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. ‘એનિમલ’એ રિલીઝના 12માં દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ‘એનિમલ’ના 12માં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે.
અહેવાલ અનુસાર, રણબીર કપૂરની ફિલ્મે શાહરૂખ ખાન અને સની દેઓલની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. ‘એનિમલ’એ 12 દિવસમાં 450 કરોડનો આંકડો પાર કર્યો છે, જ્યારે શાહરૂખ ખાનની ‘પઠાણ’ને આ આંકડો પાર કરવામાં 18 દિવસનો સમય લાગ્યો હતો. સની દેઓલની ‘ગદર 2’એ 17 દિવસમાં આ આંકડો પાર કર્યો હતો.
પ્રભાસ સ્ટારર ‘બાહુબલી 2’ને પણ બોક્સ ઓફિસ પર એનિમલે પાછળ છોડી દીધી છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે 450 કરોડનો આંકડો પાર કરવામાં 20 દિવસનો સમય લીધો હતો. રણબીર કપૂરની ‘એનિમલ’એ ભલે ‘પઠાણ’, ‘ગદર 2’ અને ‘બાહુબલી’ના રેકોર્ડ તોડી નાખ્યા હોય, પરંતુ તે ‘જવાન’ને પછાડવામાં નિષ્ફળ રહી. શાહરૂખ ખાનની વર્ષની બીજી બ્લોકબસ્ટર ફિલ્મે 11 દિવસમાં 450 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
તો ‘એનિમલ’એ ગઇકાલે મંગળવારે એનિમલે 13 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ પછી ભારતમાં તેની કુલ કમાણી 458.12 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો આ એક્શન થ્રિલરે 737 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.
‘એનિમલ’ એ પહેલા જ દિવસે 63.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જે ઓપનિંગ ડે માટે ખૂબ વધારે હતું. આ ફિલ્મ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ રહી છે. આ સિવાય બોબી દેઓલને પણ આ ફિલ્મ માટે ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મનું બીજા દિવસે 66.27 કરોડનું કલેક્શન હતું. જે પહેલા દિવસ કરતા થોડો વધારે છે. ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે. ફિલ્મે 7.83%ની વૃદ્ધિ સાથે 71.46 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ચોથા દિવસે, ફિલ્મના કલેક્શનમાં 38.48%નો ઘટાડો જોવા મળ્યો અને કુલ કલેક્શન 43.96 કરોડ રૂપિયા રહ્યું. આ પછી ભલે ફિલ્મનું કલેક્શન દરરોજ ઘટી રહ્યું હોય, પરંતુ ફિલ્મ તમામ રેકોર્ડ તોડવામાં સફળ રહી હતી.