Animal Review : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલ આજે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મને લઇને દર્શકોમાં ભારે ક્રેઝ છે. તેવામાં ફિલ્મ એનિમલ વિશે વિવેચકોએ પોતાનો રિવ્યૂ આપી દીધો છે. આ સાથે રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટની પ્રતિક્રિયા સામે આવી છે.
ફિલ્મ ક્રિટિક્સને સંદીપ રેડ્ડી વાંગા હેઠળ બનેલી ‘એનિમલ’ની સ્ટોરી ખુબ જ પસંદ આવી છે. તેઓને ફિલ્મમાં આવેલા ઉતાર-ચઢાવ બહુ જ પસંદ આવ્યાં છે. સાથે જ તેઓનું માનવું છે કે, એનિમલ સંદીપની સર્વશ્રેષ્ઠ ફિલ્મમાંથી એક છે. ફિલ્મ સમીક્ષકોએ રણબીર કપૂરની પણ પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું કે, રણબીર કપૂર ફિલ્મના ચમક રહ્યા છે. ફિલ્મમાં આવનારા ટ્વિસ્ટ અને ટર્ન બહુ રોમાચિંત છે.
ઘણા વિવેચકોએ એનિમલને 5માંથી 4 સ્ટાર આપીને પોતાનો રિવ્યૂ આપ્યો છે. એક આલોચકે કહ્યું હતું કે, ‘ફિલ્મના ઉતાર-ચઢાવે પ્રભાવિત કર્યો છે અને રૂવાડા ઉભા કરી દે તેવા ઘણા સીન છે. જોકે, ફિલ્મમાં દર્શાવવામાં આવેલી હિંસા અને અમુક પ્રાઇવેટ સીનના કારણે ફિલ્મને એ રેટિંગ મળ્યું છે. તો રણબીર કપૂર, અનિલ કપૂર અને અન્ય કલાકારોએ પણ સારું પ્રદર્શન કર્યું છે.’
એનિમલ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. ગઈકાલે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં મનોરંજન જગતની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. સ્ક્રીનિંગમાં રણબીરની પત્ની આલિયા ભટ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયા ‘એનિમલ’ના રણબીર કપૂરના લુકના ટી-શર્ટ સાથે કોટ-પેન્ટ પહેરીને પહોંચી હતી. આલિયાએ ફિલ્મ જોયા પછી તેની પ્રથમ પ્રતિક્રિયા પણ આપી હતી. જેની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
એક પાપારાઝીએ તેને પૂછ્યું કે ફિલ્મ કેવી છે, જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘ખતરનાક’. આલિયા તેની માતા સોની રાઝદાન, બહેન શાહીન અને પિતા મહેશ ભટ્ટ સાથે સ્ક્રીનિંગમાં જોવા મળી હતી.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે કહ્યું હતું કે, તે અને આલિયા ભટ્ટ એકબીજાના કામ વિશે વિસ્તૃત વાત કરે છે. તેમણે એક કલાકાર તરીકે તેમના માટે ઊંડો આદર વ્યક્ત કર્યો અને તેમના બૌદ્ધિક અભિગમની પ્રશંસા કરી.
રણબીર કપૂરે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે આલિયા ભટ્ટ સાથે દરેક સીન અને પાસાઓની ચર્ચા કરે છે અને તેની પાસેથી માહિતી લે છે. એનિમલમાં પકડારનજક સીનને નેવિગેટ કરવામાં તેની સહાયતા કરવાનો શ્રેય રણબીરે આલિયાનો આપ્યો હતો.





