બોલિવૂડના શાનદાર અને પ્રસિદ્ધ સિંગર અરિજિત સિંહ માત્ર તેમના મધુર અવાજ માટે જ નહીં પરંતુ તેમની સારી રીતભાત માટે પણ જાણીતા છે. ફિલ્મોની ચમકદાર દુનિયા સાથે જોડાયેલા, અરિજિત સિંહ પશ્ચિમ બંગાળમાં તેમના વતન મુર્શિદાબાદમાં ખૂબ જ સાદું જીવન જીવે છે. હાલમાં જ અરિજિત સિંહનો એક સુંદર વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખૂબ જ સરળ રીતે સ્કૂટર પર શોપિંગ માટે નીકળતો જોવા મળી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં અરિજિત સિંહ કરિયાણાની ખરીદી કરવા સ્કૂટર પર જતો જોવા મળી રહ્યો છે. તેમજ વીડિયોમાં અરિજીત સિંહ એવા વેશમાં છે, જેને એક નજરમાં પણ ઓળખવું મુશ્કેલ છે. સામાન્ય યુઝર્સ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર ટિપ્પણી કરતા લોકોએ કહ્યું કે, અરિજિત કેટલા ડાઉન ટુ અર્થ છે.જ્યારે અન્ય યૂઝરે કહ્યું- સાદગીનું સ્તર જુઓ. તો ઘણા લોકોએ તેને પોતાના ફેવરિટ કહ્યા છે.
અરિજિત સિંહનો જન્મ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પંજાબી શીખ પિતા કક્કર સિંહ અને બંગાળી માતા અદિતિ સિંહને ત્યાં થયો હતો. એવું કહેવાય છે કે તેમના ગીતોની શરૂઆતની તાલીમ તેમના ઘરેથી જ થઈ હતી. અરિજિતની દાદી પણ ખૂબ સારું ગાતા હતા અને સિંગરે તેની માતા પાસેથી ગાવાનું શીખ્યું હતું. ગાયનની સાથે સાથે માતા તબલા પણ ખૂબ સારી રીતે વગાડે છે.
અરિજિતે સિંહે વર્ષ 2005માં રિયાલિટી શો ‘ગુરુકુલ’માં ભાગ લીધો હતો. આ સિવાય તેણે ઘણા શો પણ કર્યા. જો કે તેને ‘આશિકી 2’ના ગીત ‘તુમ હી હો’ અને ‘ચાહું મેં યા ના’થી ઓળખ મળી હતી. સંગીત પ્રેમીઓમાં અરિજિતની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.