વર્ષ 2009માં આવેલી જેમ્સ કેમરોનની ફિલ્મ અવતારએ ત્યારે કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા હતા. આટલા વર્ષો બાદ આ ફિલ્મની સિકવલ અવતાર: ધી વે ઓફ વોટર આવતા આ સપ્તાહ રિલીઝ થઈ રહી છે. ત્યારે દુનિયા સહિત ભારતમાં પણ આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ છે. લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ એવો કે ફિલ્મ રિલીઝ થવાના એક સપ્તાહ પહેલા ટિકીટ ખરીદવા માટે પડાપડી જોવા મળી રહી છે.
ફિલ્મની રિલીઝના એક સપ્તાહ પહેલા જ આ ફિલ્મની 2 લાખથી વધુ ટિકીટો વેચાઈ ગઈ છે હોવાના સમાચાર સામે આવ્યાં છે. આ સાથે રિલીઝ પહેલા જ આ સિક્વલે 12 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી લીધી છે. ભૂતકાળમાં કમાણીના રેકોર્ડ તોડનાર અવતારની સિકવલ સૌથી વધુ કમાણીના રેકોર્ડ તોડશે? તેવો પ્રશ્ર્ન ચર્ચાઈ રહ્યો છે.
ભારતમાં બોકસ ઓફિસ પર સૌથી વધુ એટલે કે 373 કરોડ રૂપિયાની કમાણીનો રેકોર્ડ તોડનારી ફિલ્મ છે. હોલીવુડની એવન્જર્સ: એન્ડ ગેમ. બોકસ ઓફિસના જાણકારો જણાવે છે કે લોકો અવતાર-2ને બહેતર ટેકનોલોજીમાં જોવા માંગે છે. આથી આ ફિલ્મનું આઈમેકસ સહિત પ્રીમીયમ સિનેમાઘરોમાં જબરદસ્ત બુકીંગ ચાલી રહ્યું છે. ટિકીટોના મોંઘા ભાવ છતાં દર્શકો ટિકીટ ખરીદી રહ્યા છે.
બીજી તરફ અવતાર-2ને લઈને લોકોનો જોરદાર ક્રેઝ જોઈને બોલીવુડે પીછેહઠ કરી લીધી છે. તેમણે અગાઉથી જ તેમની ફિલ્મની રિલીઝ ડેટ ખાલી કરી દીધી છે. 16 ડિસેમ્બરે અવતાર-2ની રિલીઝ બાદ પછીના સપ્તાહે રણવીરસિંહની ફિલ્મ સર્કસ રિલીઝ થશે. ત્યારબાદ 1 મહિના પછી શાહરુખખાનની ‘પઠાન’ રિલીઝ કરવામાં આવશે.