બોલિવૂડથી લઇ હોલિવૂડ સુધી ખ્યાતિ ધરાવનાર લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના ડિપ્રેશનના દિવસો વિશે વાત કરી છે. હાલ દીપિકા પાદુકોણ તમિલનાડુના તિરૂવલ્લૂરમાં છે. દીપિકા પાદુકોણ 10 ઓક્ટોબરના રોજ ‘વલર્ડ મેંટલ હેલ્થ ડે’ ના અવસર પર તેને તેના મેંટલ હેલ્થ ફાઉન્ડેશન ‘લાઇવ લવ લાફ’ના ગ્રામિણ સામુદાયિક માનસિક સ્વાસ્થ કાર્યક્રમનો વિસ્તાર કરી રહી છે.
તાજેતરમાં અભિનેત્રીએ એનડીટીવી સાથે તેના ડિપ્રેશન વિશે વાત કરી હતી. દીપિકા પાદુકોણે કહ્યું હતુ કે, જ્યારે હું ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી તે સમયે મારી માંની ખુબ મોટી અને મહત્વની ભૂમિકા રહી હતી. ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણે 2015માં તેની માનસિક બીમારી વિશે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે ડિપ્રેશનનો સામનો કરી રહી છે. ત્યાર બાદ અભિનેત્રીએ ડિપ્રેશનમાંથી બહાર આવી તુરંત લોકોની મદદ કરવા માટે ‘લિવ લવ લાફ’ના માધ્યમથી આગળ આવી હતી.
દીપિકા પાદુકોણે એક કાર્યક્રમમાં ડિપ્રેશન વિશે જણાવ્યું હતું કે, ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે મારી માંએ મારી ખુબ મદદ કરી હતી. હું બધો ક્રેડિટ મારી માને આપીશ. કારણ કે મારી માંએ મારી એ સ્થિતિને ખુબ સારી રીતે સમજી હતી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા માતા-પિતા બેંગલુરૂમાં રહે છે અને જ્યારે પણ તેઓ મને મળવા આવતા હતા ત્યારે હું સ્ટ્રોંગ બની જતી હતી. એ સમય મારી જીંદગીનો એવો સમય હતો જ્યારે હું અંદરથી એકદમ તૂટી ગઇ હતી. એ સમયે મને ખાલીપનનો અહેસાસ થતો હતો. એવામાં મમ્મી પપ્પા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હું એના રૂમમાં ગઇ અને અચાનક રડવા લાગી હતી.
દીપિકા પાદુકોણે વધુમાં કહ્યું હતું કે, મારી માંએ મને થોડા સવાલ કર્યા હતા. શું બોયફ્રેન્ડના કારણે? કામના કારણે કે પછી કંઇ થયું છે? મારી પાસે એકપણ પ્રશ્નનો જવાબ ન હતો. કારણ કે એવું કંઇ થયું જ નહતું. બસ ખાલીપણું લાગતું હતું અને મારી માં સમજી ગઇ. ત્યારે દીપિકાએ કહ્યું હતું કે, મારા માટે ભગવાને એમને મોકલ્યા હતા.