જગવિખ્યાત અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂરે તેના કરિયરના પ્રારંભના મહત્વના પાસા વિશે ખુલાસો કર્યો છે. જાહ્નવી કપૂરએ જણાવ્યું હતું કે મારી કારકિર્દીમાં એવો તબક્કો આવ્યો હતો જેમાં મને છેતરવામાં આવતી હોય તેવો અહેસાસ થતો હતો. મારા આપેલા સરળ જવાબોને લોકો હેડલાઇન્સ બનાવતા હતા. ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂરને લાંબા સમય સુધી નેપોટિઝમ અને તેની માં શ્રીદેવીને લઇ પૂછવામાં આવતા અઘરા સવાલોના જવાબ તેની કારકિર્દીના પ્રારંભમાં આપવા પડતા હતા. જે અંગે અભિનેત્રીએ તાજેતરમાં ખુલાસો કર્યો છે. હાલ જાહ્વવી કપૂર તેની અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇ ખુબ ચર્ચામાં છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જાહ્નવી કપૂરે જણાવ્યું હતું કે, તે હવે લોકોથી નિરાશ નથી થતી. કારણ કે તેને હવે ખ્યાલ આવી ગયો છે કે દરેક પોતાનું કામ કરી રહ્યા છે.
જાહ્નવી કપૂરે વધુમાં જણાવ્યું હતું કે, તે એક સાચા વ્યક્તિ તરીકે પોતાની છાપ બનાવવા માંગે છે. એ વાતથી વાકેફ હોવા છતાં કે તે જે પણ કઇ કરશે કે કહેશે લોકો તેની ખુબ આલોચના કરશે.
જાહ્નવી કપૂરને પૂછવામાં આવ્યું કે, જ્યારે તમારા વિશે સનસનીખેજ હેડલાઇન્સ બનાવવામાં આવે છે તો તમે કઇ રીતે તેનો સામનો કરો છો? જેને લઇને જાહ્વવી કપૂરએ કહ્યું હતું કે, આ મારા માટે સામાન્ય બની ગયુ છે, એમાં કોઇ નવાઇની વાત નથી. કારણ કે મને લઇને અવારનવાર હેડલાઇન બને છે.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું, ‘હું આશ્ચર્યચકિત છું કે લોકો કેવી રીતે તથ્યને મુદ્દો બનાવે છે. પણ હવે મેં લોકોથી નિરાશ થવાનું બંધ કરી દીધું છે. એક એવો તબક્કો હતો જ્યાં મને સામાન્ય વાતચીત કર્યા પછી છેતરાયાનો અનુભવ થતો હતો’.
જો કે, દરેક પોતાનું કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કમનસીબે લોકોને આ વ્યવસાયમાં લાંબા સમય સુધી નકારાત્મક રહેવા અને નકારાત્મક હેડલાઇન્સમાં રહેવા બદલ પુરસ્કાર આપવામાં આવે છે. તેથી જ તેઓ વિચારે છે કે આ તે જ વેચે છે. બસ આ એ જ દુનિયા છે જેમાં આપણે હજુ છીએ.”
જ્હાન્વી કપૂરે ઇન્ટરવ્યૂમાં વધુમાં વાત કરી કે, તમે કંઇ પણ કરો લોકો તમારી આલોચના કરશે જ. મને લાગે છે કે, એમાં એવું કંઇ નથી જેના પર હું કંટ્રોલ કરી શકુ. હું મારા તરફથી સ્પષ્ટ રહેવાનો પ્રયાસ કરું છું. જેથી જો મારી ટીકા કરવામાં આવે તો સત્ય બોલવાને લઇ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, જાહ્વવી કપૂર હંમેશા મીડિયા સમક્ષ બનેલી ઇમેજની વિરુદ્ધ જ કામ કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ ‘ગુડ લક જેરી’માં તેના અભિનયને લઇ લોકોના દિલોમાં સ્થાન બનાવ્યું છે. આ સિવાય જાહ્વવી કપૂરની ફિલ્મ ‘મિલિ’નું શૂટિંગ પણ હાલ જ પૂર્ણ થયું છે. આ ઉપરાંત જાહ્નવી કપૂર ‘મિસ્ટર એન્ડ મિસેસ માહી’નું પ્રમોશન કરશે. આ ફિલ્મમાં તે રાજકુમાર સાથે નજર આવશે. આ સાથે જાહ્વવી કપૂર વરૂણ ધવન સાથે ફિલ્મ ‘બવાલ’માં પણ નજર આવશે.