Kapil Sharma Zwigato Movie: વર્ષોથી લોકોને ખિલખિલાટ હસાવનાર કોમેડિયન કપિલ શર્માની મુવી ઝ્વિગાટો’ ગઇકાલે 17 માર્ચના રોજ રિલીઝ થઇ ગઇ છે. વર્ષો પહેલા તેની ફિલ્મ આવી હતી ‘કિસ કિસ કો પ્યાર કરું’, જે તદ્દન ફ્લોપ રહી હતી. તેમાં તે ફુલ-ટુ કોમેડી કરતો જોવા મળ્યો હતો. રોમેન્ટિંક-ડ્રામા ફિલ્મ કર્યા પછી હવે તે એક ઈમોશનલ મૂવીમાં જોવા મળ્યો છે. હવે આ ફિલ્મ દર્શકોને પસંદ આવી કે નહીં તે વિશે હવે વાત કરીએ.
ઝ્વિગાટો’ કેટલાય સામાજિક અને આર્થિક પ્રસંગોને સ્પર્શે છે
ઝ્વિગાટો’ કેટલાય સામાજિક અને આર્થિક પ્રસંગોને સ્પર્શે છે પરંતુ ફિલ્મની સૌથી મોટી સમસ્યા એ છે કે તે અત્યંત ધીમી છે. ફિલ્મનો પહેલો ભાગ ખૂબ ધીમી ગતિથી આગળ વધે છે અને એકાએક ઈન્ટરવલ આવી જાય છે. તમને આશા જાગે છે કે, ફિલ્મના બીજા ભાગમાં કોઈ ટ્વિસ્ટ આવશે પરંતુ સેકન્ડ હાફમાં પણ એ ગતિ આવતી નથી. જોકે, અંત સુખદ છે પણ તે એકાએક પ્રગટ થાય છે અને તેની સાથે કનેક્ટ નથી થઈ શકાતું. સિનેમેટોગ્રાફર રંજન પાલિત ભુવનેશ્વર ગલીઓના માધ્યમથી સામાન્ય લોકોની જિંદગીને દર્શાવવામાં સફળ રહ્યા છે. નંદિતા દાસે પ્રાસંગિક વિષય પર બનેલી ફિલ્મને સંવેદનશીલ રીતે ન્યાય આપ્યો છે પરંતુ વાર્તાની ધીમી ગતિ અને નબળા સ્ક્રીનપ્લેના કારણે તે ઉત્તમ ફિલ્મ બનતા બનતા રહી ગઈ.
જિંદગીના પડકારોનો અંત નથી
ફિલ્મની વાર્તાની શરૂઆત માનસ મહતોના સપનાથી થાય છે જ્યાં તે એક સુંદર યુવતી સાથે નોકરીના ફોર્મને લઈને ચર્ચા કરતો જોવા મળે છે. ત્યારે જ તેની આંખ ખુલી જાય છે. કોરોના મહામારીના કારણે માનસ પોતાની નોકરી ગુમાવી ચૂક્યો છે. જેમ-તેમ કરીને તે 8 મહિના સુધી પોતાનું ગુજરાન ચલાવવા માટે એક ફૂડ ડિલિવરી એપમાં ડિલિવરી બોયનું કામ હાથમાં લઈ લે છે. માનસ અને તેનો પરિવાર ઝારખંડથી ઓડિશા ફક્ત સારી નોકરી અને જિંદગીની શોધમાં આવ્યા હતા. પરંતુ જિંદગીના પડકારોનો અંત નથી. તેના ઘરમાં પત્ની પ્રતિમા (શહાના ગોસ્વામી), એક વૃદ્ધ અને બીમાર મા અને સ્કૂલમાં ભણતા છોકરાઓ છે.
ડિલિવરી બોયનું કામ કરતાં કરતાં તેને અહેસાસ થાય છે કે, તેની જિંદગી ડિલિવરી, રેટિંગ્સ અને ભાગદોડના કારણે મશીન બની ગઈ છે. તેની પત્ની પ્રતિમા ઘર અને પતિને આર્થિક સહયોગ આપવા માટે માલિશનું કામ કરવા જાય છે. પરંતુ તેને યોગ્ય સફળતા મળતી નથી. ત્યારે તે એક મોલમાં સફાઈ કર્મચારી તરીકે નાઈટ ડ્યૂટીમાં કામ શરૂ કરે છે. જોકે, માનસ તેના આ નિર્ણયથી ખુશ નથી. દારુ અને સિગરેટથી દૂર રહેતા માનસ પર જ્યારે તેનો એક ગ્રાહક દારુ પીને તેના પર ખોટો આક્ષેપ કરે છે ત્યારે તેનું આઈડી બ્લોક થઈ જાય છે. તેનો પક્ષ સાંભળ્યા વિના જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. હવે માનસ પોતાનું ઘર ચલાવવા શું કરશે? શું તેની પત્ની પ્રતિમા મોલના ટોઈલેટ્સ અને બાથરૂમ સાફ કરવાનું કામ કરશે? શું આ પરિવાર જીવી શકશે? આ બધા જ સવાલોના જવાબ ફિલ્મમાં મળશે.
ફિલ્મમાં મજૂરો અને બેરોજગારીના એંગલ
ફિલ્મમાં મજૂરો અને બેરોજગારીના એંગલને પણ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં મજૂર છે એટલે મજબૂર છે અથવા તો એમ કહો કે, મજબૂર છે એટલે જ મજૂર છીએ, જેવા અર્થસભર ડાયલોગ્સ પણ છે. અમીર અને ગરીબ વચ્ચેના ભેદભાવને પણ સારી રીતે દર્શાવાયો છે. અમીર લોકો એક આવોકાડો પણ સરળતાથી લઈ શકે જ્યારે તેના જેટલા રૂપિયા કમાવવા માટે સામાન્ય માણસને અઠવાડિયા સુધી ભટકવું પડે છે.
આ પણ વાંચો: અજય દેવગણએ દીકરી ન્યાસા વારંવાર ટ્રોલ થતાં કહ્યું…મને આ વાત પરેશાન કરે છે, પણ…
કપિલ શર્માને પોતાની કોમેડિયન તરીકેની છાપથી અલગ કંઈક કરવાની તક મળી ત્યારે તેણે તે વેડફી નહીં. કપિલ શર્મા માનસના રોલમાં જામે છે. ફિલ્મમાં તે હતાશ, નિરાશ અને નાખુશ જોવા મળે છે પરંતુ આ જ તેના પાત્રની લાક્ષણિકતા છે. પ્રતિમાના રૂપે શહાના ગોસ્વામીની એક્ટિંગ દમદાર છે. ઝારખંડના લઢણ સાથે તેણે પત્નીના રૂપમાં પારિવારિક અને સામાજિક વિષમતાને સુંદર રીતે રજૂ કરી છે. સ્વાનંદ કિરકિરે, ગુલ પનાગ અને સયાની ગુપ્તા નાના-નાના રોલમાં જોવા મળ્યા છે. સહયોગી કાસ્ટ વાર્તાને અનુરૂપ છે.