બોલિવૂડમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રાની મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. કમલ કિશોર મિશ્રા પર કથિત રીતે તેની પત્નીને કાર નીચે કચડી હત્યા કરવાનો આરોપ છે. સમગ્ર મામલાને લઇ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે અંબોલી પોલીસ 27 ઓક્ટોબરના રોજ આરોપીને પૂછપરછ માટે લઇ ગયા હતા. ત્યારબાદ આરોપીની આજે ધકપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 270 અને 338 હેઠળ ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યો છે. કમલ મિશ્રાની પત્ની હાલ ગંભીર હાલતમાં છે. સમગ્ર ઘટના 19 ઓક્ટોબરના રોજ ઘટી હતી.
કમલ કિશોર મિશ્રા કોણ છે?
કમલ કિશોર મિશ્રા બોલિવૂડના ફેમસ ફિલ્મ નિર્માતા છે. કમલ ઉત્તર પ્રદેશનો વતની છે. તેનો જન્મ ઉત્તર પ્રદેશના ગોંડામાં થયો છે. કમલ કિશોરે લાલ બહાદુર શાસ્ત્રી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેણે વર્ષ 2019માં બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. કમલ મિશ્રાએ ‘ફ્લેટ નંબર 420’ અને ‘શર્મા જી કી લગ ગયી’ જેવી ફિલ્મો બનાવી નામના મેળવી હતી.
આ સાથે કમલ કિશોરે ફિલ્મ ‘ખલ્લી બલ્લી’ પણ બનાવી છે. જેમાં અભિનેતા ધર્મન્દ્ર, રાજપાલ યાદવ તેમજ હેમંત પાંડે, વિજય રાજ, મધુ કિનાયત અરોરા સહિત રજનીશ દુગ્ગલ જેવા સ્ટાર્સે કામ કર્યું છે. તાજેતરમાં કમલ કિશોરે ‘દેહાતી ડિસ્કો’ નામની એક ફિલ્મ બનાવી હતી. જે લોકોને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય નજર આવ્યા હતા.
સમગ્ર મામલાનો વીડિયો
હકીકતમાં 19 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં કમલ મિશ્રા તેની પત્નીને કારથી ટક્કર આપી તેને જમીનદોસ્ત કરતો જોવા મળે છે. જેના કારણે તેની પત્નીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. કમલ કિશોરની પત્ની યાસીને તેના પતિ પર અનેક આરોપો લગાવ્યા છે. તેણે દાવો કર્યો છે કે, કમલ કિશોર અલગ અલગ છોકરી સાથે અફેર કરે છે અને તેની સાથે ઐયાશી કરે છે. આ ઉપરાંત તે તેના પર ખુબ પૈસા ઉડાવે છે.