સની દેઓલ અને અમીષા પટેલની બહુચર્ચિત ફિલ્મ ‘ગદર 2’ ફરી ધમાલ મચાવશે. આ ફિલ્મના પ્રમોશન માટે સની દેઓલ અને અભિનેત્રી બિગ બોસના ફિનાલેમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે ટોપ 5 સ્પર્ધકો સાથે ઘણી વાતચીત કરી. આ સિવાય તેણે શોના હોસ્ટ સલમાન ખાન અને પૂર્વ સ્પર્ધક અબ્દુ રોજિક સાથે પણ ખૂબ મસ્તી કરી હતી. હવે સની દેઓલ બિગ બોસમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે ટ્રોલ થઈ રહ્યો છે.
કોંગ્રેસના નેતાની ટિપ્પણી
બિગ બોસનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ ટ્વિટર પર સની દેઓલ પર નિશાન સાધ્યું છે. મનિષ તિવારીએ ટ્વીટ કર્યું કે, “અફસોસ, આ જેંટલમેન 4 મિલિયન લોકોની ગુરદાસપુર લોકસભા બેઠકને રીપ્રેજેન્ટ કરે છે. મને લાગે છે કે, તેઓ ભાગ્યે જ પોતાના મતવિસ્તાર ગુરદાસપુર ગયા હશે અને લોકો સાથે વાતચીત કરી હશે. ગત વર્ષોમાં સની દેઓલે લોકસભામાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. હજુ એક વર્ષ બાકી છે.” ઉલ્લેખનીય છે કે, સની દેઓલ એક ફિલ્મ અભિનેતા ઉપરાંત ભાજપ સાંસદ પણ છે. તેમનો મતવિસ્તાર ગુરદાસપુર છે.
યૂઝર્સે આપી આવી પ્રતિક્રિયા
મનિષ તિવારીના ટ્વિટર આક્રમણ બાદ યૂઝર્સ હવે પ્રતિક્રિય આપી રહ્યા છે. સંદીપ રાજુ નામના યુઝરે કહ્યું કે “બોલિવૂડના કલાકારો રાજકારણમાં ભાગ્યે જ ન્યાય કર્યો હોય. તમામ રાજકીય પક્ષો દ્વારા એક બેઠક પર જીત હાંસિલ કરવાને પગલે સની દેઓલને ટેડી બિયર કહીને પેશ કરવામાં આવે છે. જેમાં ગોવિંદે, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સામેલ છે.
અન્ય એક યૂઝર વિજય કુમારે લખ્યું, “તેઓ 2019ની ચૂંટણી જીત્યા કારણ કે તે બોલિવૂડના સુપરસ્ટાર છે, પરંતુ તેના મતવિસ્તારના લોકોની નિરાશાને પગલે ફરી આવું આગામી સમયમાં નહીં થાય.” આ સિવાય કેટલાક લોકો સની દેઓલને પણ સપોર્ટ કરી રહ્યા છે.
ગદ્દર 2 રિલીઝ ડેટ
આપને જણાવી દઇએ કે, દિગ્દર્શક અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ‘ગદર 2’ આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ 26મી જાન્યુઆરી પ્રજાસતાકના પર્વ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ગદ્દર 2 ના પ્રથમ પોસ્ટરમાં સની દેઓલે હથોડો ઉપાડ્યો છે. પોસ્ટમાં સની દેઓલના દમદાર લુક જોવા મળી રહ્યો છે.