ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV)ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના અમદાવાદ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.
ફિલ્મના મુખ્ય અભિનેતાઓ ધર્મેન્દ્ર ગોહિલ અને સની પંચોલી સહિત ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી, જેમણે આચાર્યશ્રી પાસેથી આશીર્વાદ મેળવીને ફિલ્મના પ્રચાર અભિયાનનો શુભારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જીવદયાનો સંદેશ આપતી આ ફિલ્મ 21મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મ ‘જીવ’ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જે વેલજીભાઈ મહેતાના પ્રેરણાદાયી જીવન અને તેમના જીવદયાના કાર્યને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ‘જીવ’ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગના લોકોના દિલમાં દરેક પશુ-પંખી પ્રત્યે કરુણા અને દયાની ભાવના પ્રજ્વલિત કરવાનો છે.
આ પણ વાંચો: ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે’, ગુજરાતી ફિલ્મ બની ચર્ચાનું કેન્દ્ર, ફિલ્મ જોઈ લોકોએ કહ્યુ- જય દ્વારરાધીશ
ફિલ્મની ટીમે જણાવ્યું હતું કે, આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ સાથે પ્રચાર શરૂ કરવો એ તેમના માટે ગર્વની વાત છે, અને તેઓ આશા રાખે છે કે આ ફિલ્મ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ થશે. આ પ્રેરક અને ભાવનાત્મક ફિલ્મ 21મી નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.





