એક સમયે ફિલ્મોમાં ગીત અને આઇટમ ડાન્સ કરનાર હિરોઇનો પ્રત્યે લોકો કે બોલિવૂડમાં કોઇ સન્માન ન હતું. ત્રણ કલાકની ફિલ્મમાં ચંદ મિનિટ માટે ડાંસર દર્શકોનું મનોંરજન કરતી અને લોકો તાલિયો પીટતા બસ આટલું જ તેનું મહત્વ રહેલું. લોકોની આ માનસિકતા વચ્ચે હેલનનો જમાનો આવ્યો. જેને લોકોના મનમાં એવી પ્રતિભા બનાવી કે ચોતરફ હેલનના નામની ગુંજ હતી. આ સાથે હેલને લોકોની માનસિકતા પણ બદલી નાંખી. મેરા નામ ચિન ચિન ચૂ, યમ્મા-યમ્મા, ઓ હસીના ઝુલ્ફોવાળી, મોનિકા ઓ માય ડાર્લિંગ જેવા સૂપરહિટ સોન્ગ આપનાર એક્ટ્રેસ હેલેનનો આજે 84મો જન્મદિવસ છે.
બોલિવૂડની પ્રથમ આઇમટ ગર્લ તરીકે જગવિખ્યાત હેલને લોકોના દિલો પર એ રીતે રાજ કર્યું કે લોકો તેની પાછળ દિવાના બનીને ફરી રહ્યા હતા. આ ઉપરાંત લોકોએ હેલનની નૃત્ય કળાને સમ્માન પણ આપ્યું. આજે હેલન આ ગ્લેમરસ દુનિયાથી દૂર છે પરંતુ લોકો આજે પણ તેને ખુબ સમ્માન સાથે યાદ કરેછે.
હેલેનનો જન્મ 21 નવેમ્બર 1938ના રોજ બર્મામાં થયો હતો. તેનું પૂરું નામ હેલેન.એન.રિચર્ડસન છે. તેની માતા મૂળ બર્માની હતી. હેલેનના પિતાનું અવસાન થયું હતું અને પરિવારમાં તેની માતા, એક ભાઈ અને સાવકી બહેન જેનિફર હતી. હેલનની માતાએ બ્રિટિશ સૈનિક સાથે બીજા લગ્ન કર્યા, પરંતુ તેનું પણ દ્રિતીય વિશ્વયુદ્ધ દરમિયાન મોત થઇ ગયું. જ્યારે જાપાને બર્મા પર કબજો જમાવ્યો તો તે સમયે હેલનના પરિવારે મુંબઈ વસવાટ કરવાનું નક્કી કર્યું હતું. હેલને અને તેના પરિવારને મુંબઇ આવવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મુબંઇ યાત્રા દરમિયાન તેઓ ભોજન માટે તડપી રહ્યા હતા. ત્યારે રસ્તામાં દયાળુ લોકો હેલનના પરિવારને તેમના ઘરે લઇ ગયા અને જમાડ્યા હતા.
આ દરમિયાન એક બ્રિટિશ સૈનિકે તેમને મુંબઈ જવા માટે વાહન, ભોજન તેમજ દવાઓ આપી. યાત્રા સમયે હેલેનની માતાનું ગર્ભપાત થઈ ગયું હતું. ત્ચારે મુંબઇ પહોંચવામાં હજુ ઘણું અંતર કાપવાનું બાકી હતું. એટલે હેલનની માતાએ કોલકાતા સ્થિર થવાનો નિર્ણય લીધો હતો. જ્યાં તે નર્સનું કામ કરવા લાગી હતી અને ત્યા જ હેલન સાથે તેના ભાઇ-બહેનનો અભ્યાસ શરૂ થયો હતો. પરંતુ આવક સામે ખર્ચ વધુ હતો. એવામાં હેલનની માતાની મુલાકાત બેકગ્રાઉન્ડ ડાન્સર કુકુ મોરે સાથે થઇ હતી.
હેલન ઘર ચલાવવા માટે નોકરી શોધતી જ હતી. એવામાં કુકુએ હેલનને ફિલ્મોમાં કોરસ ડાન્સરની નોકરી અપાવી હતી. ટૂંક સમયમાં હેલને ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર આગવું સ્થાન હાંસિલ કર્યું. હેલનને ફિલ્મ ‘હાવડા બ્રિજ’માં મોટો બ્રેક મળ્યો હતો. તે સમયે હેલન માત્ર19 વર્ષની જ હતી. આ ફિલ્મના ગીત ‘મેરા નામ ચિન ચિન ચૂ’એ હેલનના જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. આ પછી હેલન બોલિવૂડની પહેલી ‘આઈટમ ગર્લ’ તરીકે ખૂબ પ્રચલિત થઇ હતી.
હેલન વિશે એવું કહેવાય છે કે, તેને ‘ઇન્ડિયન ક્લાસિકલ નૃત્ય’માં ધમાલ તો મચાવી જ છે, પરંતુ તેને ‘કૈબરે ડાંસ’ શૈલીને પણ ભારતમાં અવ્વલ લોકપ્રિયતા અપાવી છે. હેલન તેના દમ ફિલ્મોની હિટ બનાવતી હતી. હેલનના પ્રશંસકો અને દર્શકો એ હદે તેની પાછળ દિવાના હતા કે માત્ર તેની એક ઝલક જોવા માટે ફિલ્મ જોવા જતા હતા. અહેવાલ અનુસાર ઇન્ડસ્ટ્રીને ‘બૈલે ડાન્સ’થી હેલને જ પરિચિત કરાવ્યાં છે.
હેલન તેના ડાન્સની સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી હતી. વર્ષ 1957માં હેલને તેનાથી 27 વર્ષ મોટા ડિરેક્ટર પી.એન. અરોરા સાથે લગ્ન કર્યા. જીવનમાં બધું સારું થવા માંડ્યું હતું કે હેલન પર ફરી એક વાર દુઃખનો પહાડ તૂટી પડ્યો. હેલેનના 35માં જન્મદિવસે આ લગ્ન તૂટી ગયા હતા. જે અંગે તથ્ય સામે આવ્યું હતુ કે, હેલનના પતિને ફિજૂલ ખર્ચ કરવાની આદત હતી. તેથી હેલને ત્રાસી જઇ તેના પતિ સાથે ડિવોર્સ લઇ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, હેલન ફિલ્મો દ્વારા ખુબ સારી આવક મેળવતી હતી. પરંતુ તેનો પતિ તેનો લાભ ઉઠાવતો હતો. હેલન આ લગ્ન તૂટ્યા બાદ બિલકુલ એકલી પડી ગઇ હતી.