પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલની 13મી સીઝનનો ફિનાલે રવિવારે મુંબઈમાં યોજાયો હતો. શોના જજ હિમેશ રેશમિયા, વિશાલ દદલાની અને નેહા કક્કર હતા. આ શોમાં ભારતના ઘણા રાજ્યોમાંથી માત્ર 6 સ્પર્ધકો જ ફાઇનલમાં સુધી પહોંચી શક્યા હતા. જેમાં ઋષિ સિંહ (અયોધ્યા), બિદિપ્તા ચક્રવર્તી (કોલકાતા), ચિરાગ કોટવાલ (જમ્મુ), સોનાક્ષી કાર (કોલકાતા), શિવમ સિંહ (વડોદરા) અને દેબોસ્મિતા રોય (કોલકાતા)નો સમાવેશ થાય છે. જોરદાર સંગીત સ્પર્ધા પછી અયોધ્યાના ઋષિ સિંહે ઈન્ડિયન આઈડલ-13નો ખિતાબ જીતી અને ટ્રોફી પોતાના નામે કરી 25 લાખની ઇનામી રકમ તેમજ કાર મેળવી.
થમ અને દ્વિતીય રનર અપને આટલા લાખનું ઇનામ
સ્પર્ધકો દેબોસ્મિતા રોય અને ચિરાગ કોટવાલ પ્રથમ અને દ્વિતીય રનર અપ રહ્યા હતા. ફર્સ્ટ (દેબોસ્મિતા રોય) અને સેકન્ડ રનર અપ (ચિરાગ કોટવાલ) ને 5 લાખ અને 3 લાખ રૂપિયાનો ચેક મળ્યો હતો. જ્યારે બાકીના સ્પર્ધકોને એક-એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
કોણ છે ઋષિ સિંહ?
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2 જુલાઈ 2003ના રોજ જન્મેલા 19 વર્ષના ઋષિ સિંહે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધ કેમ્બ્રિયન સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. તે દેહરાદૂનથી એવિએશન મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. આ તેમનું ત્રીજું વર્ષ છે.
ઋષિ સિંહ માતા-પિતાનું એકમાત્ર સંતાન
મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા, ઋષિના પિતા રાજેન્દ્ર સિંહ સરકારી કર્મચારી છે અને માતા અંજલિ સિંહ ગૃહિણી છે. શો દરમિયાન એક એપિસોડમાં ઋષિએ જણાવ્યું કે, તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે અને તેને બાળપણમાં દત્તક લેવામાં આવ્યો હતો.
ઋષિ સિંહની ખાસ વાતચીત
વધુમાં ઋષિ સિંહે જણાવ્યું હતું કે, તેના માતા-પિતા તેની સંગીત કારકિર્દીથી ખુશ ન હતા અને ઇચ્છતા હતા કે અભ્યાસ બાદ તે કોઈ સારી નોકરીમાં લાગી જાય. પરંતુ તેમના પુત્રની સંગીત પ્રત્યેની રુચિ જોઈને તેમણે તેમને પૂરો સાથ આપ્યો.નવાઇની વાત એ છે કે, ઇન્ડિયન આઇડલ 13નો વિજેતા ઋષિએ સંગીતનું કોઈ શિક્ષણ લીધું ન હતું, પરંતુ નાનપણથી જ તેઓ તેમના ઘરની નજીકના ગુરુદ્વારા અને મંદિરમાં ભજન ગાતા હતા.
વિરાટ કોહલી પણ ઋષિ સિંહથી પ્રભાવિત
વર્ષ 2019માં ઋષિએ ઈન્ડિયન આઈડલની 11મી સીઝનમાં પણ ભાગ લીધો હતો, પરંતુ ચોથા રાઉન્ડ પછી તેને બહાર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પણ તાજેતરમાં જ તેના ગાયનની પ્રશંસા કરી હતી અને તે પણ તેને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. બીજી બાજુ ડાયરેક્ટર પ્રોડ્યુસર રાકેશ રોશને પણ ઋષિ સિંહને રિતિક રોશનની આગામી ફિલ્મમાં ગાવાની ઓફર કરી છે.
ઋષિ સિંહનું પ્રથમ ગીત
મે 2022માં ઋષિ સિંહે તેનું પહેલું સિંગલ ગીત ‘ઈલ્તેઝા મેરી’ રિલીઝ કર્યું. આ ગીત મેલોડીયસ રેકોર્ડ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
ઋષિ સિંહે ઈન્ડિયન આઈડલમાં ફિલ્મ ‘કબીર સિંહ’નું પહેલું પ્યાર ગીત ગાયા પછી નિર્ણાયકો દ્વારા સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું અને ગીત માટે ગોલ્ડન માઈક પણ આપવામાં આવ્યું હતું.
2019માં ઋષિ સિંહે અયોધ્યાના રામ કથા મ્યુઝિયમમાં સંગીત સમારંભમાં પણ પરફોર્મ કર્યું હતું. ઋષિ યુટ્યુબ પર હિન્દી સિનેમાના ઘણા પ્રખ્યાત ગીતોના કવર પણ ગાય છે.