Janhvi Kapoor visit Tirumala: બોલિવૂડની દિગ્ગજ અને દિવગંત અભિનેત્રી શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂર (Jahnvi Kapoor) હંમેશા પોતાના આકર્ષક લૂકને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે જાહ્નવી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરૂપતિ બાલાજી દર્શન કરવા માટે પહોંચી હતી. જેને પગલે તે ચારેકોર ચર્ચામાં છે. મહત્વનું છે કે, જાહ્નવી કપૂર કે શિખર પહાડિયામાંથી કોઇએ હજુ સુધીમાં પોતાના રિલેશનશીપ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ ઘણીવાર પારિવારિક, સામાજિક અને હવે ધાર્મિક કાર્યોમાં પણ સજોડે હાજરી આપીને તેના પુરાવા આપી દીધા છે.
જાહ્નવી,શિખર તથા અન્ય પરિવારજનો તિરુપતિ બાલાજી મંદિરની બહાર જોવા મળ્યાં હતાં. આ દરમિયાન જાહ્નવીએ પરંપરાગત સાઉથ ઈન્ડિયન વસ્ત્રો ધારણ કર્યાં હતાં. જ્યારે શિખરે પણ ધોતીની સાથે ગોલ્ડન ઝાંય ધરાવતો ગુલાબી ઉપરણો પહેર્યો હતો.
આપને જણાવી દઇએ કે, શિખર મૂળ મહારાષ્ટ્રીય પરિવારમાંથી આવે છે પરંતુ આ વસ્ત્રો સાથે તેણે જાહ્નવીના મોસાળ જેવાં દક્ષિણ ભારતીય પહેરવેશ તથા રસમોને સંપૂર્ણપણે અપનાવી લીધાં હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયો જોયા પછી ચાહકો બંને લગ્નપૂર્વેનાં આશીર્વાદ લેવા ગયાં હતાં કે કેમ તેવા અનુમાન લગાવી રહ્યા છે. શિખર હવે જાનવીના પરિવાર સાથે તેમની ફોરેન ટ્રીપ્સ ઉપરાંત સામાજિક અને પારિવારિક પ્રસંગોમાં અવારનવાર સાથે જોવા મળ્યો છે. જેના અનુસંધાને ચાહકોમાં આ અટકળ વહેતી થઇ છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં કરણ જોહરના ટીવી શોમાં જાહ્નવી કપૂરે શિખર સાથેના તેના સંબંધો કબૂલ્યા હતા. જોકે, તે વખતે આ સંબંધો જાહ્નવીના ભૂતકાળ તરીકે ગણાવાયા હતા. પરંતુ, તે પછી બંનેના સંબંધો ફરી તાજા થઈ ગયા છે.