વર્ષ 2022 કાર્તિક આર્યન (Kartik Aaryan) માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. પહેલાં તેણે ફિલ્મ ભૂલ ભુલૈયા 2 દ્વારા રૂહ બાબા બનીને બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી અને હવે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ફ્રેડી’ (Freddy) પણ જોરદાર ધૂમ મચાવી રહી છે. ફ્રેડી 2 ડિસેમ્બરે રિલીઝ થઈ છે, જેમાં કાર્તિક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.
આ ફિલ્મમાં કાર્તિક આર્યને ડૉ.ફ્રેડીનું પાત્ર ભજવ્યું છે, જે ખૂબ જ નિર્દોષ અને શરમાળ છે. આ શરમાળ સ્વભાવના કારણે તે લગ્ન નથી કરી રહ્યો. જોકે બાદમાં તે એક છોકરીના પ્રેમમાં પડે છે અને તે છોકરી પણ તેને પ્રેમ કરવા લાગે છે, પરંતુ પછીથી ડોક્ટર ફ્રેડી પ્રેમમાં છેતરાઈ જાય છે. છેતરપિંડી થયા પછી ફ્રેડીનું વિલક્ષણ સ્વરૂપ જોવા મળે છે. કાર્તિકની આ સ્ટાઇલ અને અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ સાથે હવે કાર્તિકે તેની સિક્વલની પણ હિંટ આપી છે.
તાજેતરમાં કાર્તિક આર્યનએ ટ્વિટર પર એક આસ્ક સેશન રાખ્યું હતુ. જેમાં તેણે ચાહકોના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. આ સેશનમાં એક યુઝરે કાર્તિકને સવાલ કર્યો અને કહ્યું કે, હું એક જ વાત વિશે વિચારી રહ્યો છું કે પોલીસે ક્યારેય ફ્રેડીને પકડ્યો નથૉ? કાર્તિકે આ યુઝરને એવો જવાબ આપ્યો કે, તે પછી ફ્રેડી 2 વિશે અટકળો શરૂ થઈ ગઈ છે. જવાબ આપતાં કાર્તિકે લખ્યું, અત્યારે વાર્તા ક્યાં પૂરી થઈ છે.
કાર્તિકના આ જવાબ બાદ સોશિયલ મીડિયા પર ફ્રેડી 2ની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ફ્રેડીની સિક્વલને લઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કાર્તિકની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ફ્રેડી 2, રાહ જોઈ રહ્યો છું. અન્ય યુઝરે લખ્યું, મેં આવું વિચાર્યું હતું. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ફ્રેડીનો બીજો ભાગ પણ આવશે, ખરું ને? વધુ રાહ જોઈ શકતો નથી.
તમને જણાવી દઈએ કે, ફ્રેડી એક અદ્ભુત ફિલ્મ છે, જેમાં કાર્તિકે જબરદસ્ત અભિનય કર્યો છે અને તેના માટે તેને ઘણી પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મમાં કાર્તિકની સામે અભિનેત્રી અલાયા એફ જોવા મળી છે.