KGF 2 સ્ટાર યશ અને કાંતારા એક્ટર ઋષભ શેટ્ટીએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. સ્ટાર્સ સાથે હોમ્બલે પ્રોડક્શન્સની ટીમ પણ હતી. મહત્વનું છે કે, હોમ્બલેએ KGF ફ્રેન્ચાઈઝી અને કંતારા જેવી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે વિશ્વભરમાં ભારતીય સિનેમાનું નામ ઉંચું કર્યું છે. યશ અને ઋષભ શેટ્ટીની પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન તેમની ક્યા વિષય પર ચર્ચા થઇ તે અંગે આ અહેવાલમાં વિસ્તારપૂર્વક વાંચો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં કર્ણાટકની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે KGF સ્ટાર યશ અને કંતારા અભિનેતા ઋષભ શેટ્ટી સાથે હોમ્બલે ફિલ્મ્સના નિર્માતાઓ, પ્રોડ્યૂસર્સ વિજય કિરાગંદુર અને અશ્વિની પુનીત રાજકુમાર સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાતમાં મનોરંજન ઉદ્યોગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં થિયેટરોની સંખ્યામાં વધારો, સિનેમાની અસર અને અર્થતંત્રમાં સિનેમાનું યોગદાન જેવા વિષયો સામેલ હતા. ટીમે પીએમ મોદી સાથે તસવીર પણ ક્લિક કરી હતી.
પીએમ સાથેની તસવીરો શેર કરતા ઋષભ શેટ્ટીએ તેમની પ્રશંસા કરી અને મીટિંગ વિશે માહિતી આપી.
તાજેતરમાં બ્લોકબસ્ટર ફિલ્મ કાંતારાને રિલીઝ થયાના 100 દિવસ પૂર્ણ થયા છે. આ તકે ફિલ્મના લેખક, દિગ્દર્શક અને અભિનેતા ઋષભ શેટ્ટીએ કાંતારાની સિક્વલની જાહેરાત કરી હતી. બીજી તરફ હોમ્બલ ફિલ્મ તેના અન્ય મોટા પ્રોજેક્ટ, સલાર સાથે ધૂમ મચાવવા માટે તૈયાર છે, જેમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે.