આજે ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી નેતા અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો 98મો જન્મદિવસ છે. આ અવસર પર દેશ-વિદેશમાં તેમને ખૂબ યાદ કરવામાં આવી રહ્યા છે. આ અવસર પર તેમની બાયોગ્રાફી પર બની રહેલી ફિલ્મ ‘મેં અટલ હું’નું પહેલું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેતા પંકજ ત્રિપાઠીએ આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી છે. પ્રથમ ઝલકમાં પંકજ ત્રિપાઠી એ જે લુક શેર કર્યો છે તે જોઈને દરેક લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે.
પંકજ ત્રિપાઠીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘અટલ’ જીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મારા માટે સંયમ સાથે મારા વ્યક્તિત્વ પર કામ કરવું જરૂરી છે, એ હું જાણું છું. હું ઉર્જા અને મનોબળના આધારે મારી નવી ભૂમિકા સાથે ન્યાય કરી શકીશ, મને અટલ વિશ્વાસ છે. #MainAtalHoon સિનેમાઘરોમાં, ડિસેમ્બર 2023. મરાઠી ફિલ્મો ‘નટરંગ’ અને ‘બાલગંધર્વ’ માટે જાણીતા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા દિગ્દર્શક રવિ જાધવ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ ફિલ્મ આવતા વર્ષે અટલ બિહારી વાજપેયીના જન્મ શતાબ્દી વર્ષનું ઉદ્ઘાટન કરશે’.
ફિલ્મ ‘મેં અટલ હું’ની આ તસવીરમાં પંકજ ત્રિપાઠી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પોઝમાં જોવા મળી રહ્યા છે. આ અદભૂત રૂપને ધારણ કરવા માટે પંકજે મેક-અપ દરમિયાન કેટલાક કલાકો સુધી ધીરજ જાળવી રાખી હતી. પંકજનો આ ખાસ રૂપ બનાવવા માટે ફિલ્મની પ્રોડક્શન કંપનીઓ ભાનુશાલી સ્ટુડિયો અને લિજેન્ડ સ્ટુડિયોએ પીઢ કલાકારોની મદદ લીધી છે. મેક-અપ અને પ્રોસ્થેટિક્સના આ નિષ્ણાતોએ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના દિવસે પંકજને આ લુકમાં લાવવા માટે મહિનાઓ સુધી પ્રેક્ટિસ કરી હતી.
અટલ બિહારી વાજપેયીની બાયોપિક ફિલ્મ ‘મૈં અટલ હું’ ભૂતપૂર્વ વડાપ્રધાનના રાજકીય જીવનને રજૂ કરશે. આ ઉપરાંત તેઓ એક પ્રતિષ્ઠિત કવિ, લોકપ્રિય જન નેતા અને માનવીય ગુણોથી ભરેલા ઉત્કૃષ્ટ વહીવટકર્તા છે. આ ફિલ્મની કહાની ‘ધ અનટોલ્ડ વાજપેયીઃ પોલિટિક્સ એન્ડ પેરાડોક્સ’ પુસ્તક પર આધારિત હશે.
પંકજ ત્રિપાઠીએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટ પર પ્રશંકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે, આ પાત્ર માટે પર્ફેક્ટ પસંદગી. જ્યારે અર્ચના પૂરણ સિંહે લખ્યું કે, વાહ અટલ જીના પાત્રમાં જોવા માટે રાહ જોઇ રહ્યા છીએ. તો નિલેશ મિશ્રા લખ્યું કે, અદ્ભુત તમારાથી સારું આ પાત્રને કોઇ ન નિભાવી શકે. તમે એ તમામ મૂલ્યો સાથે જીવન જીવી રહ્યા છો.