પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી મલ્લિકા રાજપૂત ઉર્ફે વિજયાલક્ષ્મીના નિધનના સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, તેનો મૃતદેહ ઘરના રૂમમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.
રિપોર્ટ્સ અનુસાર 13 ફેબ્રુઆરીના રોજ સિંગર અને એક્ટ્રેસ મલ્લિકાની લાશ તેના ઘરના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. જે બાદ પરિવારના સભ્યો આઘાતમાં છે. તેની માતાની હાલત રોઈ-રોઈ ખરાબ છે. મલ્લિકાની માતાનું કહેવું છે કે, તેમની દીકરીએ આવું કેમ કર્યું તેની તેમને કોઈ જાણકારી નથી.
તેમણે કહ્યું, “તેના રૂમનો દરવાજો બંધ હતો અને લાઈટ ચાલુ હતી. અમે ત્રણ વાર પ્રયત્ન કર્યો પણ દરવાજો ન ખૂલ્યો. જે બાદ મેં બારીમાંથી ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો તો જોયું કે તે સામે હતી, અને તે લટકતી હતી. મેં મારા પતિ અને અન્યને ફોન કર્યો પણ ત્યાં સુધીમાં તે મરી ચૂકી હતી.
આ કેસમાં પોલીસનું કહેવું છે કે, આ આત્મહત્યાનો મામલો લાગે છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક ખબર પડશે. આ રિપોર્ટના આધારે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી મુંબઈમાં રહેતી હતી. જ્યાં તેની એક્ટિંગ અને સિંગિંગ કરિયરની સાથે તે યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહી હતી. તેણે ચાર વર્ષ પહેલા પ્રદીપ શિંદે નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી તેના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહી હતી, તેથી તેણે આવું પગલું ભર્યું.
તમને જણાવી દઈએ કે, મલ્લિકા બોલિવૂડ ફિલ્મ ‘રિવોલ્વર રાની’માં જોવા મળી છે. તે ભારતીય જનતા પાર્ટીની સભ્ પણય રહી ચૂકી છે. પરંતુ વર્ષ 2018માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.





