નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુ એક બીજાથી અલગ થઇ ગયા છે ત્યારથી હંમેશા કોઇને કોઇ કારણસર લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. ત્યારે નાગા ચૈતન્યનું મોટું નિવેદન સામે આવ્યું છે. હાલમાં જ નાગા ચૈતન્યએ એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુ વિશે વાત કરી છે. સાથે પોતે જીંદગીમાં આગળ વધી ગયો હોવાનો ખુલાસો કર્યો છે. પરંતુ જ્યારે લોકો કોઇ ત્રીજા પક્ષને સામેલ કરે છે અને તેના વિશે અપમાનજનક શબ્દ બોલે છે તો તેને ખરાબ લાગે છે તેમ જણાવ્યું હતું.
નાગા ચૈતન્યએ ઇન્ટરવ્યૂમાં એ પણ ખુલાસો કર્યો હતો કે, સામંથા રૂથ પ્રભુ પણ પોતાના જીવનમાં આગળ વધી ગઇ છે અને ખુબ ખુશ છે. “અમને અલગ થયાને બે વર્ષ થયા છે અને અમારા ઓફિશિયલ ડિવોર્સને પણ એક વર્ષ થઈ ગયું છે. કોર્ટે અમારા ડિવોર્સ મંજૂર કરી દીધા છે. અમે બંને અમારી જિંદગીમાં આગળ વધી ગયા છીએ. મારા જીવનના એ તબક્કા માટે મને ખૂબ માન છે. સમંથાને પણ એ તબક્કા માટે માન છે એ મને ખબર છે. તેણી ખૂબ સારી વ્યક્તિ છે અને તેને જીવનની બધી જ ખુશીઓ મળવી જોઈએ”.
નાગા ચૈતન્યએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે, જ્યારે મીડિયા અમારા અંગે ધારણો બાંધે છે ત્યારે સ્થિતિ વિચિત્ર થઈ જાય છે. તેના લીધે અમારી વચ્ચે જે આદર છે તે લોકોની નજરોમાંથી ઉતરી જાય છે. આ જ કારણે મને ખરાબ લાગે છે. એટલું જ નહીં મીડિયા વચ્ચે કોઈ ત્રીજી જ વ્યક્તિની લઈને આવે છે. એવી વ્યક્તિ જેનો મારા ભૂતકાળ સાથે કોઈ સંબંધ નથી હોતો. આ બાબત ખૂબ જ અપમાનજનક છે. કોઈ ત્રીજી વ્યક્તિને વિના કારણે આ મુદ્દામાં ઘસેડવામાં આવે છે ત્યારે પીડા થાય છે.
જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય અને સમંતા રુથ પ્રભુની મુલાકાત ફિલ્મ ‘યે માયા ચેસાવે’ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી. એ સમયે તેઓ જુદા-જુદા વ્યક્તિને ડેટ કરી રહ્યા હતા. ચૈતન્ય શ્રુતિ હસનને જ્યારે સમંતા સિદ્ધાર્થને ડેટ કરતી હતી. જોકે, 2013માં બંને બ્રેકઅપ થયું. એ પછી 2013માં સમંતા અને ચૈતન્યએ વધુ એક ફિલ્મ સાથે કરી હતી અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે બાદ 2017માં તેમણે ધામધૂમથી લગ્ન કર્યા હતા. જોકે, 2021માં તેઓ અલગ થઈ ગયા. વર્કફ્રંટની વાત કરીએ તો, સમંતા ફિલ્મ ‘ખુશી’માં વિજય દેવરકોંડા સાથે દેખાશે. જ્યારે નાગા ચૈતન્ય ‘કસ્ટડી’ ઉપરાંત વેબ શો ‘દૂથા’માં જોવા મળશે.
સામંથા રૂથ પ્રભુ સાથે ડિવોર્સ લીધા બાદ નાગા ચૈતન્ય એક્ટર શોભિતા ધૂલીપાલાને ડેટ કરી રહ્યો છે. લંડનથી બંનેની એક તસવીર તાજેતરમાં વાયરલ થઈ હતી, જેમાં નાગાને શેફ સાથે પોઝ આપતા જોઈ શકાય છે કારણ કે શોભિતા કેમેરાથી પોતાનો ચહેરો છુપાવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને છેલ્લા છ મહિનાથી રિલેશનશિપમાં છે. જો કે, દંપતીએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.