મશહૂર કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને લઇ ખરાબ સમાચાર સામે આવ્યાં છે. મુંબઇ NCBએ ડ્રગ્સ કેસમાં કપલ વિરુદ્ધ 200 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. જે અંતર્ગત ટુંક સમયમાં બંને વિરુદ્ધ કોર્ટમાં દલીલબાજી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં NCBએ ભારતી સિંહ અને તેના પતિના પ્રોડક્શન હાઉસ અને કાર્યાલય તેમજ તેના ઘરે દરોડા પાડ્યા હતાં. જેમાં 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. ત્યાર બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ જામીન પર બહાર છે.
આ પણ વાંચો: અક્ષય કુમારની ‘રામસેતુ’ એ અજય દેવગણની ફિલ્મ ‘થેંક ગોડ’ને પછાડી, કોણે કરી કેટલી કમાણી?
21 નવેમ્બરના રોજ ભારતી સિંહે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓની સામે દાવો કર્યો હતો. ભારતીએ દાવો કર્યો હતો કે, તેણે તેના પતિ દ્વારા ખરીદેલો ગાંજો પીધો હતો. એનસીબીએ એ પણ ખુલાસો કર્યો હતો કે, દંપતીના વર્સોવાવાળા ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન તેમને કથિત રીતે 65 ગ્રામ ગાંજા અને 21.5 ગ્રામ ભાંગ સાથે એક બેગ મળી હતી. જેના આધારે દંપતીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી.
કપલની ધરપકડ બાદ તેમને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના વકીલ અયાજ ખાન અને જહરા ચરણિયાએ દલીલ પેશ કરી હતી કે ભારતી સિહં અને તેના પતિના ઘરેથી મળી આવેલા નશીલા પદાર્થનો જથ્થો ખુબ ઓછો હતો. આ સાથે વકીલે તર્ક જણાવ્યું હતું કે વસૂલીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ જામીનપાત્ર ગુનો બનાવે છે. આ બાદ મુખ્ય મેટ્રોપોલિટન મેજીસ્ટ્ર્રેટ કોર્ટ પ્રતિ વ્યક્તિ 15,000 રૂપિયાની સુરક્ષા રાશિ જમા કર્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં ડ્રગ્સ મામલે ઘણી સેલિબ્રિટીઓની પૂછપરછ કરાઇ ચૂકી છે. આ સાથે રિયા ચક્રવતિ અને તેનો ભાઇ શોવિકની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી.