ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસે પોતાના અને પોતાની પત્નીના ધર્મને લઇને પહેલીવાર નિવેદન આપ્યું છે. નિક જોનાસે પોતાના નિવેદનમાં કહ્યું કે, કેવી રીતે દીકરી માલતી મેરી ચોપરા જોના, હિંદુ અને ઇસાઇ ધર્મની સાથે મોટી થઇ રહી છે. સાથે તેનો ભગવાન સાથે કેવો સંબંધ છે તે અંગે પણ ખુલ્લીને વાત કરી હતી.
નિક જોનાસે કહ્યું, “મારો ભગવાન સાથે ઊંડો અને અર્થસભર સંબંધ છે, પરંતુ તે હું પુસ્તકમાં વાંચું છું તેવો નથી. હવે ભગવાને ઘણા રૂપ ધારણ કર્યા છે. અને એક ભારતીય મહિલા જે પોતે હિન્દુ છે તેની સાથે લગ્ન કરીને, હું તે ધર્મ વિશે ઘણું શીખ્યો છું જે ખૂબ જ પ્રેરણાદાયી છે. આ દરમિયાન નિક જોનાસે દીકરી માલતી મેરી વિશે કહ્યું કે અમે તેને એવી રીતે ઉછેરી રહ્યા છીએ કે તે ખ્રિસ્તી અને હિંદુ બંને ધર્મો વિશે જાણી શકે.
આ સાથે નિક જોનાસે પોતાના નિવેદનમાં કહ્યું કે, માલતીને બાઈબલ અને હિંદુ ધર્મ બંનેનું જ્ઞાન હશે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા, જેમાં નજીકના મિત્રો સિવાય ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ હાજર રહ્યા હતા. જાન્યુઆરી 2022 માં, નિક અને પ્રિયંકા સરોગસી દ્વારા એક પુત્રીના માતાપિતા બન્યા.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચન ડરમાં જીવે છે….જાણો બિગ બીના ભયનું કારણ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. પ્રિયંકા ચોપરા દરરોજ તેની પુત્રીની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પ્રિયંકાની ફિલ્મ વિશે વાત કરીએ તો, તેની સીરિઝ સિટાડેલ હાલમાં એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. સિરીઝના પાંચ એપિસોડ આવી ગયા છે અને સિઝનનો છઠ્ઠો અને છેલ્લો એપિસોડ આ અઠવાડિયે રિલીઝ થશે.