પ્રીતિ ઝિન્ટા જન્મ દિવસ : બોલિવૂડની ‘ડિમ્પલ ગર્લ’ તરીકે પ્રખ્યાત પ્રીતિ ઝિન્ટાને કોઈ ઓળખની જરૂર નથી. આવતીકાલે પ્રીતિ ઝિન્ટાનો બર્થ ડે છે, તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેની ક્યૂટ સ્ટાઇલ લોકોને ખૂબ આકર્ષે છે. અભિનેત્રી બુધવારે તેનો 49 મો જન્મદિવસ ઉજવશે. પ્રીતિ ઝિન્ટાનો જન્મ 31 જાન્યુઆરી 1975 ના રોજ શિમલામાં થયો હતો. અભિનેત્રીએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘દિલ સે’થી કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
પ્રીતિ ઝિન્ટા જન્મ દિવસ – કઈ ફિલ્મોમાં કામ કર્યું?
પ્રીતિ ઝિન્ટા જન્મ દિવસ પર તેની ફિલ્મોની વાત કરીએ તો, દિલ સે ફિલ્મ બાદ તેની ફિલ્મ ‘સોલ્જર’ આવી, જેમાં તેણે લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી. આ પછી અભિનેત્રીએ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘દિલ ચાહતા હૈ’, ‘કોઈ મિલ ગયા’, ‘સલામ નમસ્તે’, ‘કલ હો ના હો’ અને ‘વીર ઝરા’ જેવી ફિલ્મોમાં જોરદાર અભિનય કર્યો છે. તેના અભિનય ઉપરાંત, અભિનેત્રી તેની સ્પષ્ટવક્તા અને નિર્ભય શૈલી માટે પણ જાણીતી છે. પ્રીતિ ઝિન્ટાને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હતી. તેણે પોતે કોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેની પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આજે અભિનેત્રીના જન્મદિવસના અવસર પર અમે તમને તેની બહાદુરીની આ કહાની જણાવવા જઈ રહ્યા છીએ.
પ્રીતિ ઝિન્ટાએ અંડરવર્લ્ડ ડોન સામે જુબાની આપી, ધમકીભર્યા ફોન આવવાનું શરૂ થયું
વાસ્તવમાં આ ઘટના વર્ષ 2001 ની છે. જ્યારે ફિલ્મ ચોરી-ચોરી, ચુપકે-ચુપકે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા, રાની મુખર્જી અને સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. અબ્બાસ મસ્તાન ફિલ્મ બનાવી રહ્યા હતા. દસ્તાવેજ મુજબ હીરાના વેપારી ભરત શાહ અને નિર્માતા નાઝીમ રિઝવીના પૈસા ફિલ્મમાં રોકાયા હતા, પરંતુ એવું નહોતું. વાસ્તવમાં આ ફિલ્મમાં અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના પૈસા લગાવવામાં આવ્યા હતા.

આ એ સમય હતો, જ્યારે બોલિવૂડની જાણીતી હસ્તીઓને અંડરવર્લ્ડમાંથી ફોન આવતા હતા. શાહરૂખ ખાન, સલમાન ખાન, સંજય ગુપ્તા, મહેશ માંજરેકર, નિર્માતા-નિર્દેશક રાકેશ રોશન અને અન્ય ઘણી હસ્તીઓએ તેમના અગાઉના નિવેદનો પાછા ખેંચ્યા હોવાના અહેવાલ છે. પરંતુ પ્રીતિએ જઈને કોર્ટમાં જુબાની આપી. રિપોર્ટ અનુસાર, તેણે કોર્ટમાં ખુલાસો કર્યો હતો કે, ફોન પર તેની પાસેથી 50 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી હતી. આ મામલો અંડરવર્લ્ડ સાથે સંબંધિત હોવાથી પ્રીતિ ઝિન્ટાનું નિવેદન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
અભિનેત્રીએ સુરક્ષા લેવાની ના પાડી દીધી હતી
પ્રીતિ ઝિંટાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ‘ધમકીઓ બાદ હું ખૂબ ડરી ગઈ હતી. બધા અંડરવર્લ્ડના ડરથી પીછેહઠ કરી ગયા હતા. મને ખબર હોત તો કદાચ મેં પણ જુબાની આપી ન હોત. હું એટલી ડરી ગઈ હતી કે +92 થી શરૂ થતા નંબરો મે ઉપાડવાનું બંધ કરી દીધું હતુ. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તે સમયે લાલકૃષ્ણ અડવાણીજીએ મારી સાથે વાત કરી હતી અને મને સુરક્ષા લેવા કહ્યું હતું. જો કે, મેં સુરક્ષા લેવાની ના પાડી દીધી હતી, પરંતુ બાદમાં સાદા કપડામાં કેટલાક પોલીસકર્મીઓ સેટ પર મારી સાથે રહેતા હતા. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી હવે ફિલ્મોથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે વાતચીત કરતી રહે છે.





