ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલ તેના હોલિવૂડ વેબ સીરિઝ ‘સિટાડેલ’ના કારણ જોરશોરથી ચર્ચામાં છે. પ્રિયંકાએ આ વેબ સીરિઝના પ્રમોશનમાં પોતાની કારકિર્દી અને બોલિવૂડને લઇને ઘણા મોટા ખુલાસા કર્યા હતા. ત્યારે અભિનેત્રીએ હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, જેના કારણે તેને કરિયરમાં ઘણું સહન કરવું પડ્યું હતું. સોમવારે ધ હાવર્ડ સ્ટર્ન શોમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સ્વીકાર્યું હતું કે પ્લાસ્ટિક સર્જરીના કારણે તેનું કરિયર દાવ પર લાગી ગયું હતુ.
પ્રિયંકા ચોપરાએ ‘ધ હાવર્ડ સ્ટર્ન’ શોમાં ખુલાસો કર્યો હતો કે ‘નાકની સર્જરી’ બાદ તેને ત્રણ ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ તેની કારકિર્દીનો અંધકારમય તબક્કો હતો. આ સંદર્ભે પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકાએ કહ્યું કે, સર્જરી પછી મારો ચહેરો એકદમ અલગ દેખાવા લાગ્યો હતો. આ કારણે મારી બોલિવૂડ કરિયર પણ દાવ પર લાગી ગઈ હતી. જેને પગલે હું ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી.
વધુમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, એ મુશ્કેલ પરિસ્થિતિમાં તેના પિતાએ તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. તેમજ તે સમયે હું ખૂબ ડરી ગઈ હતી. પણ મારા પિતાએ મને હિંમત આપી. મારો હાથ પકડીને મારો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો લાવ્યા, અને હું તે ખરાબ સમયમાંથી બહાર નીકળી શકી.
આ પણ વાંચો: ઇલિયાના ડિક્રુઝે પહેલીવાર બેબી બંપ સાથે વીડિયો શેર કરી કહ્યું…’જીંદગી હાલ હી મેં’
આ ઉપરાંત 40 વર્ષની પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, નાકની સર્જરીના કારણે તેને ત્રણ ફિલ્મો ગુમાવવી પડી હતી. પરંતુ ‘ગદર’ બનાવનાર દિગ્દર્શક અનિલ શર્મા એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે તેમને પ્રોજેક્ટમાંથી બહાર ન કાઢ્યા. તેણીએ ખુલાસો કર્યો કે તે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી. પરંતુ તેને સાઈડ રોલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે હજી પણ તે ભૂમિકા ભજવી હતી.