સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ બોક્સઓફિસ સહિત વિશ્વભરમાં તાબડતોડ કમાણી કરી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક્સ, તેના ડાયલોગ્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. ઈન્ડિયા લેવલ પર રિલીઝ થયેલી આ ફિલ્મને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારે હવે ફેન્સ પુષ્પાના બીજા ભાગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે ફિલ્મ નિર્માતા દ્વારા 7 એપ્રિલના રોજ ‘પુષ્પા 2’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ ટ્રેલર કેટલુ દમદાર અને દર્શકોનો પ્રતિસાદ કેવો છે?
ટ્રેલરની શરૂઆત રસપ્રદ
ટ્રેલરની શરુઆત પુષ્પા તિરુપતિ જેલથી ફરાર થઈ ગયો હોય ત્યાંથી થાય છે. તેને 8 ગોળી વાગી છે સાથે જ તેના જીવિત રહેવાની આશા ના બરાબર છે. આ ખબર સામે આવતા જ ‘પુષ્પા’ના સમર્થકો રોષે ભરાયા છે. લોકો વિરોધ પ્રદર્શન કરીને જણાવી રહ્યા છે કે પુષ્પાની મદદથી કોઈ બાળકને નવું જીવન તો કોઈને રહેવા માટે છત મળી છે. એક તરફ પુષ્પાના ચાહકો તેના નારા લગાવી રહ્યા છે.તો બીજી તરફ પોલીસ તેમના પર લાઠીચાર્જ કરી અને પાણી વરસાવી રહ્યા છે. દરેકના મનમાં એક જ સવાલ છે, ‘પુષ્પા ક્યાં છે?’
અલ્લુ અર્જૂનનો નવો અવતાર
ટ્રેલરમાં આગળ બતાવવામાં આવ્યું છે કે, એક ન્યૂઝ ચેનલના સિંહોના વિસ્તારમાંથી એક ક્લિપ મળી છે. આ ક્લિપમાં પુષ્પાની ઝલક દેખાય છે. અહીં અલ્લુ અર્જૂનનો નવો અવતાર કોઈના પણ રુંવાડા ઉભા કરી દે તેવો છે. સવા 3 મિનીટની આ ક્લિપને જોયા બાદ નેટિઝન્સે ફિલ્મની સ્ટોરીનું અનુમાન લગાવવાનું શરુ કરી દીધું છે.
ફિલ્મનાં પોસ્ટરને જોયા બાદ લોકોની પ્રતિક્રિયા
આ સિવાય ફિલ્મનાં પોસ્ટરને જોયા બાદ ઘણાં લોકોનું કહેવું છે કે, આ ‘કાંતારા’ની અસર છે. ‘કાંતારા’ કર્ણાટકની એક પરંપરા પર આધારિત સ્ટોરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે અલ્લુ અર્જૂન વાદળી રંગમાં રંગાયેલો, શરીર પર સાડી, એક હાથમાં બંદૂક અને તે જ હાથના નખ પર નેઇલપૉલિશ લગાવેલી, ગળામાં કાચા લીંબુની માળા પહેરેલો જોવા મળે છે. આ કડીમાં યુઝર્સે પોઈન્ટ આઉટ કરતાં કહ્યુ કે, અલ્લુ અર્જૂનનો આ લૂક ચિત્તુરની ‘ગંગામ્મા જાત્રા’થી પ્રેરિત છે.
એક સમાચાર ચાહકોને નિરાશ કરી શકે
ફિલ્મ સાથે જોડાયેલા એક સમાચાર ચાહકોને નિરાશ કરી શકે છે. પ્રાપ્ત વિગત અનુસાર, ‘પુષ્પા 2’નું શૂટિંગ 3 મહિનાથી અટકેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘પુષ્પા 2’નું શૂટિંગ થોડા મહિના પહેલા શરૂ થયું હતું અને મેકર્સે ફિલ્મનો મોટો હિસ્સો શૂટ કર્યો હતો. એક મહિના પહેલા વિઝાગમાં આ ફિલ્મનું મોટા પાયે શૂટિંગ થયું હતું. જોકે, હવે શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, સુકુમાર અત્યાર સુધી જે પણ શૂટ કરવામાં આવ્યું છે તેના પર કામ કરવા માંગે છે. તે કલાકારોને ફરીથી તે કન્ટેન્ટ શૂટ કરવા માટે મેળવશે, પરંતુ તે પહેલાં તે વિચારશે કે શું કમી છે, જેના કારણે ફિલ્મના દ્રશ્યો અસરકારક દેખાતા નથી. સુકુમારે આ કામ માટે 3 મહિનાનો સમય લીધો છે. એટલે કે અલ્લુ અર્જુને ‘પુષ્પા 2’ના શૂટિંગ માટે હજુ થોડા મહિના રાહ જોવી પડશે.
ફિલ્મ ક્યારે થશે રિલીઝ
મહત્વનું છે કે, મેકર્સે હજુ ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટની જાહેરાત કરી નથી. જોકે, આશા છે કે ફિલ્મ 2023ના અંત સુધી અથવા 2024ની શરુઆતી મહિનામાં ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળી શકે છે.