અનુષ્કા શર્મા (Anushka Sharma) પોતાના ભાઈના પ્રોડકશન હાઉસ ‘ક્લિન સ્લેટ પ્રોડકશન’માંથી અલગ થઈ, એ જાણીને ઝાટકો લાગ્યો હતો. જે અંગે જાણવા મળ્યું કે અનુષ્કા હવે બધે પહોંચી ન શકતી હોવાને લીધે આ નિર્ણય પર આવી! પરંતુ અંદરખાને શું ઘટના બની ગઈ, એ તો ભગવાન જાણે! ખેર, બંને ભાઈ-બહેન અલગ પ્રકારની ફિલ્મો બનાવવા માટે પોંખાયેલાં છે.
બુલબુલ, એન.એચ.10 જેવી ફિલ્મો એમના નામે બોલે છે. હવે ફરી નેટફ્લિક્સ (Netflix) પર કરણ શર્માના આ પ્રોડકશન હાઉસ હેઠળ એક નવી ફિલ્મ રીલિઝ થઈ છે, જેનું નામ છે: કલા. વર્ષ 1940નું કલકત્તા. સંગીત જગતની આંટીઘૂંટીઓ અને રાજકારણથી ભરપૂર વાર્તા.
ઊર્મિલા મંજુશ્રી (સ્વસ્તિકા મુખર્જી)ની દીકરી કલા મંજુશ્રી (તૃપ્તિ ડિમરી)ના ‘ગોલ્ડન વિનાઈલ’ અવોર્ડ જીતવાના દ્રશ્ય સાથે ફિલ્મની શરૂઆત થાય છે. ધીરે ધીરે જૂના જમાનાના સંગીત અને સંગીતજ્ઞોનું ભાવવિશ્ર્વ ઉઘડે છે, જેમાં કલા ઉર્ફે તૃપ્તિ કોઈક પ્રકારના મનોરોગથી પીડાઈ રહી છે. સ્ત્રીઓ માટે એકલવાયા અને અછૂત ગણાતાં આ વિશ્વમાં કલાની કારકિર્દી અને વ્યક્તિત્વ કઈ દિશામાં આગળ વધશે?
તૃપ્તિ ડિમરી અને સ્વસ્તિકા મુખર્જી સિવાય ફિલ્મમાં બાબિલ ખાન, અમિત સિયાલ, સમીર કોચર, વરૂણ ગ્રોવર, સ્વાનંદ કિરકિરે, અભિષેક બેનર્જી પણ છે, અને હા, ગેસ્ટ અપિરિયન્સ તરીકે અનુષ્કા શર્મા પણ ખરી. બાય ધ વે, બાબિલ ખાનને ઓળખ્યો? ફાની દુનિયાને અલવિદા કહી ચૂકેલાં ધુરંધર અભિનેતા ઈરફાન ખાનનો દીકરો એટલે બાબિલ.
જગનના કિરદારમાં તેણે અદભુત પર્ફોમન્સ આપ્યું છે. ડેબ્યુ ફિલ્મમાં જ તે એટલો બધો ચમક્યો છે કે આગળ તો કોણ જાણે કેટલા માઈલસ્ટોન ઊભા કરશે. અમથી થોડી કહેવત પડી છે? બાપ એવા બેટા, વડ એવા ટેટા.
અમિત ત્રિવેદીનું સુંદર તથા કર્ણપ્રિય સંગીત આ ફિલ્મના પ્રાણ છે. વીસવી સદીનો દેખાવ અને પ્રભાવ ઊભો કરવામાં દિગ્દર્શક અંવિતા દત્ત સફળ પૂરવાર થયા છે. માતાના પાત્રને ટિપિકલ ઝોનમાંથી બહાર લાવીને એક અલગ ટેક્સચર આપવાનું કામ એમણે સુપેરે પાર પાડ્યું છે. તૃપ્તિ ડિમરી ગિફ્ટેડ આર્ટિસ્ટ છે. બુલબુલ પછી તેની આ ફિલ્મ મનોમસ્તિષ્ક ઉપર ઊંડી છાપ છોડતી જાય છે. કરણ શર્મા અને ‘ક્લિન સ્લેટ ફિલ્મ્સ’ની તે કેમ ફેવરિટ છે, તેનું કારણ તેના પર્ફોમન્સ જોયા પછી જાણવાની જરૂર રહેતી નથી.